
ભાવનગર, 20 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં ખેડૂતો હવે પરંપરાગત ખેતીની સાથે નવીન અને વધુ આવક આપતા પાકો તરફ વળી રહ્યા છે. તળાજા તાલુકાના લીલી વાવ ગામના પ્રગતિશીલ ખેડૂત મુકેશભાઈ ભોલાણી ડ્રેગન ફ્રુટની ઓર્ગેનિક ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. મુકેશભાઈ અગાઉ કરિયાણાની દુકાનમાં કામ કરતા હતા. ખેતી પ્રત્યેના રસને કારણે તેમણે પોતાની 14 વીઘા જમીનમાં ડ્રેગન ફ્રુટનું વાવેતર શરૂ કર્યું હતું. છેલ્લા 9થી 10 વર્ષથી તેઓ સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન મેળવી રહ્યા છે. ખેતીમાં રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કર્યા વગર જરૂરિયાત મુજબ દેશી ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે.
મુકેશભાઈના જણાવ્યા મુજબ ડ્રેગન ફ્રુટની ખેતીમાં શરૂઆતના તબક્કે સ્ટ્રક્ચર તૈયાર કરવા માટે ખર્ચ થાય છે. ત્યારબાદ ઉત્પાદન શરૂ થયા પછી સામાન્ય ખર્ચ સાથે દર વર્ષે પાકમાંથી આવક મેળવી શકાય છે. એક વીઘામાંથી વર્ષ દરમિયાન રૂ.1 લાખથી વધુનું ઉત્પાદન ઓછા ખર્ચે મેળવી શકાય છે. વેચાણ સમયે ડ્રેગન ફ્રુટનો ભાવ પ્રતિ કિલો રૂ.100થી રૂ.200 સુધી મળતો હોવાનું તેઓ જણાવે છે.
સ્થાનિક બજારમાં વેચાણ ઉપરાંત તેઓ સુરત ખાતે પણ ડ્રેગન ફ્રુટનું સીધું વેચાણ કરે છે. આરોગ્યપ્રદ ફળ તરીકે ડ્રેગન ફ્રુટની વધતી માંગ અને યોગ્ય બજાર વ્યવસ્થાના કારણે તેમની આવકમાં વધારો થઈ રહ્યો છે. નવીન બાગાયતી ખેતી, ઓર્ગેનિક ઉત્પાદન અને સીધા વેચાણના સંયોજનથી મુકેશભાઈ ખેતીને સફળ વ્યવસાય તરીકે આગળ ધપાવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA