
સુરત, 20 ઓગસ્ટ (હિ.સ.) : સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી વાત્સલ્ય જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સગર્ભા મહિલા અને તેના ગર્ભસ્થ બાળકના મોત બાદ ભારે વિવાદ સર્જાયો છે. હોસ્પિટલ BAMS અને BHMS ડિગ્રી ધરાવતા દંપતી દ્વારા સંચાલિત છે. મૃતકના પરિવારનો આરોપ છે કે મહિલા પેટના દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થઈ હતી, પરંતુ સારવાર દરમિયાન કોઈ નિષ્ણાત તબીબ હાજર ન હતા અને ફોન પર આપવામાં આવેલી સૂચનાઓ મુજબ નર્સે ઈન્જેક્શન આપ્યું હતું.
પરિવારના જણાવ્યા અનુસાર, દર્દીની તબિયત બગડતી હોવા છતાં ડૉક્ટર હોસ્પિટલ પહોંચ્યા નહોતા અને સારવાર માત્ર પેરામેડિકલ સ્ટાફના ભરોસે ચાલી રહી હતી. તેઓએ હોસ્પિટલ સામે બેદરકારીનો આક્ષેપ કરી કડક કાર્યવાહી તેમજ હોસ્પિટલ સીલ કરવાની માંગ કરી છે. બીજી તરફ પોલીસે જણાવ્યું કે સોનોગ્રાફીમાં લીવરમાં સોજો જોવા મળ્યો હતો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
હોસ્પિટલના સંચાલક ડૉ. અજય ભુવાએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમના કહેવા મુજબ દર્દીને ઈન્ફેક્શન અને સતત ખાંસીની ફરિયાદ હોવાથી ઓન-કોલ સૂચના મુજબ નર્સ દ્વારા દવા અને ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા, જે ઈમરજન્સી સારવારમાં સામાન્ય પ્રક્રિયા છે. સારવાર દરમિયાન અચાનક દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જતાં સ્થિતિ ગંભીર બની હતી. તેમણે મોતનું ચોક્કસ કારણ જાણવા પેનલ પોસ્ટમોર્ટમ કરવાની માંગ સાથે હોસ્પિટલ પાસે જરૂરી તમામ મંજૂરીઓ હોવાનું જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે