
ગીર સોમનાથ, 20 ઓગસ્ટ (હિ.સ.) : પ્રભારી સચિવ જેનુ દેવનના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો તથા વિવિધ નાગરીકલક્ષી કામો અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારની ઉપસ્થિતિમાં ફરિયાદ સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા ગીરગઢડા તાલુકાના ખીલાવડ ગામેથી નીકળતા રસ્તા પર બાયપાસની આવશ્યકતા, કોદિયા ગામે પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં જર્જરિત આવાસો દૂર કરવા, સૂત્રાપાડા-તાલાલા નગરપાલિકામાં જન્મ-મરણ નોંધણી, ગ્રામ પંચાયતની આવક અને વપરાશ અંગે, ગ્રામ પંચાયતના વોર્ડ માટે નાણાપંચની ગાઈડલાઈન અનુસાર આયોજન, બાદલપરા ગામે સાયકલોન સેન્ટર બનાવવા, વેરાવળ તાલુકા-શહેરમાં સુડાની અમલવારી અંતર્ગત જર્જરિત બિલ્ડિંગના પુન:નિર્માણની મંજૂરી સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતાં.
પ્રભારી સચિવ જેનુ દેવને તમામ પ્રશ્નોની વિસ્તૃતમાં ચર્ચા કરી અને સંલગ્ન વિભાગના અધિકારીઓએ સમયમર્યાદામાં વિગતો પૂરી પાડવા અને સંબંધિત વિભાગોએ એકબીજા સાથે સંકલન જાળવી કાર્ય કરવાની સૂચના આપી મુશ્કેલીના ત્વરિત ઉકેલ પર ખાસ ભાર મૂક્યો હતો.
પ્રભારી સચિવએ અધિકારીઓની નિવૃતિના છ મહિના પહેલા પેન્શન કેસ તૈયાર કરવા સાથે એન.પી.એસમાંથી ઓ.પી.એસમાં ફેરવવા અંગે તેમજ ફિક્સ-પેમાંથી ફૂલ પેમાં આવતા કર્મચારીઓની બાકી રહેતી પ્રક્રિયા પ્રો-એક્ટિવ અભિગમ અપનાવી પૂરી કરવાની સૂચના આપી હતી. કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ વારસાઈને લગતા પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા સંબંધિત વિભાગના અધિકારીને સૂચન કર્યું હતું
નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે જિલ્લાની વિવિધ કચેરીઓના પત્રકના રિવ્યૂ, લોકોની અરજીઓના સમયમર્યાદામાં નિકાલ, સિટિઝનશીપ ચાર્ટર અંગેના પત્રક, નિવૃત કર્મચારીઓના પેન્શન કેસ, સરકારી લેણાની વસૂલાત, જનપ્રતિનિધિઓ તરફથી રજૂ કરાયેલા પ્રશ્નોના નિકાલ સહિતની વિગતોથી પ્રભારી સચિવને અવગત કર્યા હતાં.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા સહિત શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, વનવિભાગ, એસ.ટી., માર્ગ અને મકાન વિભાગ, પી.જી.વી.સી.એલ. સહિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ