
નવી દિલ્હી, 20 ઓગસ્ટ (હિ. સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેના વિવિધ સહયોગીઓના કાર્ય દ્વારા આસામ સહિત દેશના પૂર્વોત્તર ક્ષેત્રના સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનને દર્શાવતું અંગ્રેજી પુસ્તક 'ગ્રિટ એન્ડ ગ્લોરી નું 25 ઓગસ્ટના રોજ દિલ્હીમાં સંઘના મુખ્યાલય કેશવ કુંજ ખાતે, વિમોચન કરવામાં આવશે. આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા વિશ્વ શર્મા મુખ્ય અતિથિ હશે અને પાંચજન્યના સંપાદક હિતેશ શંકર વિશેષ અતિથિ હશે.
કાર્યક્રમના આયોજકોના જણાવ્યા અનુસાર, અંગ્રેજીમાં લખાયેલા પુસ્તક 'ગ્રિટ એન્ડ ગ્લોરી ના લેખક અભિજીત જોગ છે. આ પુસ્તક સુરુચિ પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. હરિભાઉ મિરાસદાર, જેઓ 1965 થી 71 સુધી આસામના વિવિધ પ્રદેશોમાં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા, તેમણે આ પુસ્તકની સામગ્રીનું સંકલન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે રાજ્યભરમાં ઓછામાં ઓછા 175 કાર્યકર્તાઓનો ઇન્ટરવ્યુ લીધો અને અન્ય માહિતી પણ એકત્રિત કરી.
હરિભાઉ મિરાસદારે હિન્દુસ્થાન સમાચારને જણાવ્યું હતું કે, આ પુસ્તક પૂર્વોત્તરમાં તેના કાર્ય દ્વારા સંઘ અને તેના વિવિધ સંગઠનોના સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનને સંક્ષિપ્તમાં રજૂ કરે છે. આ સાથે, આસામમાં સંઘના કાર્યના વિસ્તરણમાં નોંધપાત્ર યોગદાન આપનારા 62 કાર્યકર્તાઓના ઇન્ટરવ્યુ પણ આપવામાં આવ્યા છે.
મિરાસદારના જણાવ્યા અનુસાર, આસામ સહિત પૂર્વોત્તર પ્રદેશોમાં સંઘના કાર્ય દ્વારા, લાવવામાં આવેલા સાંસ્કૃતિક પરિવર્તન અને તેમાં કાર્યકર્તાઓના યોગદાનનું, દસ્તાવેજીકરણ કરતું કોઈ સત્તાવાર પુસ્તક નહોતું. આ પુસ્તક માત્ર આ ખામીને ભરવાનો પ્રયાસ છે. આના આધારે આપણે સમજી શકીશું કે, આસામ અને અન્ય પ્રદેશોમાં સંઘ કાર્યના વિસ્તરણ પછી આ પ્રદેશમાં સામાજિક અને સાંસ્કૃતિક ફેરફારો કેવી રીતે થયા અને તેમાં કઈ હસ્તીઓએ યોગદાન આપ્યું છે.
આ પુસ્તક ટૂંક સમયમાં અંગ્રેજી ઉપરાંત મરાઠી, હિન્દી અને આસામીમાં પ્રકાશિત થશે.
હિન્દુસ્થાન સમાચાર/પવન કુમાર/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ