
નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.) કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે લોકસભાના ચોમાસુ સત્રના અનિશ્ચિતકાળ માટે સ્થગિત થયાના 10 દિવસ પછી પણ ગૃહનું સત્રાવસાન ન કરાયું હોવા પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, શું કેન્દ્રીય ગૃહમંત્રી સીમાંકન સંબંધિત બંધારણ સુધારા વિધેયકને, વિશેષ સત્રમાં પસાર કરાવવા માટે બે-તૃતીયાંશ બહુમતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે?
રમેશે રવિવારે એક્સ પોસ્ટમાં કહ્યું કે, સામાન્ય રીતે લોકસભાના અનિશ્ચિતકાળ માટે સ્થગિત થવા અને તેના સત્રાવસાન વચ્ચે બે થી ચાર દિવસનો તફાવત હોય છે. જોકે, ઘણા પ્રસંગોએ બંને પ્રક્રિયાઓ એક જ દિવસે થઈ છે.
તેમણે કહ્યું કે, વર્તમાન લોકસભાને અનિશ્ચિતકાળ માટે સ્થગિત થયાને 10 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી તેના સત્રાવસાનની કોઈ જાણકારી નથી. રમેશે આ વિલંબને અસામાન્ય ગણાવતા સરકાર પાસેથી તેના કારણો સ્પષ્ટ કરવાની માંગ કરી.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, એ ચોક્કસ છે કે 2015માં ચોમાસુ સત્રના સ્થગન અને સત્રાવસાન વચ્ચે, 28 દિવસ અને 2021માં 20 દિવસનો તફાવત રહ્યો હતો, પરંતુ તે બંને પ્રસંગોએ કોઈ 'ગંભીર ષડયંત્ર' ચાલી રહ્યું ન હતું.
રમેશે કહ્યું કે, આ વખતે અસામાન્ય વિલંબનું કારણ શું છે? તેમણે આરોપ લગાવતા પૂછ્યું કે, શું કેન્દ્રીય ગૃહમંત્રી વિશેષ સત્ર બોલાવીને સીમાંકન પર બંધારણ સુધારા વિધેયક પસાર કરાવવા માટે હજુ પણ બે-તૃતીયાંશ બહુમતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે?
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ