પીયૂષ ગોયલની ચાર-દિવસીય જાપાન યાત્રા આવતીકાલથી, સૌથી મોટું વ્યાપારિક પ્રતિનિધિમંડળ સાથે હશે
નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.). વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, 24 થી 27 ઓગસ્ટ સુધી જાપાનના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ ટોક્યો, નાગોયા અને ઓસાકા જશે અને ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું વ્યાપારિક પ્રતિનિધિમંડળ જાપાન લઈ જશે. આ પ્રતિનિધિમંડળમાં
પીયૂષ ગોયલની ચાર-દિવસીય જાપાન યાત્રા આવતીકાલથી, સૌથી મોટું વ્યાપારિક પ્રતિનિધિમંડળ સાથે હશે


નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.). વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, 24 થી 27 ઓગસ્ટ સુધી જાપાનના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ ટોક્યો, નાગોયા અને ઓસાકા જશે અને ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું વ્યાપારિક પ્રતિનિધિમંડળ જાપાન લઈ જશે. આ પ્રતિનિધિમંડળમાં 200 થી વધુ ઉદ્યોગપતિઓ સામેલ છે, જે ઉત્પાદન, સેમિકન્ડક્ટર, સ્વચ્છ ઊર્જા, સ્ટીલ, ઓટોમોબાઇલ, નાણાકીય સેવાઓ, આરોગ્ય અને સ્ટાર્ટ-અપ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા છે.

કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું કે, ટોક્યોમાં મંત્રી ટોચના જાપાની ઔદ્યોગિક ગૃહો અને કંપનીઓના નેતૃત્વ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત જાપાન બિઝનેસ ફેડરેશન (કેઇદાનરેન) સાથે ગોળમેજી બેઠક યોજાશે. સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્ટાર્ટ-અપ અને વિદેશી રોકાણકારો સાથે વિશેષ સત્રો પણ આયોજિત થશે. ગોયલ તેમના જાપાની સમકક્ષ અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગ મંત્રી અકાઝાવા રયોસેઈ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને જાપાની સંસદ તથા સરકારના વરિષ્ઠ સભ્યો સાથે પણ મુલાકાત કરશે.

નાગોયામાં ગોયલ ચૂકેઇરેન (સેન્ટ્રલ જાપાન ઇકોનોમિક ફેડરેશન) અને નાગોયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે રોડ શો કરશે. અહીં ઓટોમોબાઇલ અને સ્ટીલ ક્ષેત્રના રોકાણકારો સાથે પણ વાતચીત થશે.

પ્રવાસનું સમાપન ઓસાકામાં રોકાણકારો અને વ્યાપારિક રોડ શો સાથે થશે. આમાં ઇલેક્ટ્રોનિક્સ, ઔદ્યોગિક અને ઉપભોક્તા ક્ષેત્રોની મુખ્ય જાપાની કંપનીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત થશે.

ઉલ્લેખનીય છે કે, જાપાન ભારતનો ભરોસાપાત્ર ભાગીદાર રહ્યો છે અને ઓટોમોબાઇલ, સ્ટીલ, ઇલેક્ટ્રોનિક્સ, નાણાકીય સેવાઓ અને માળખાકીય સુવિધાઓમાં તેની ભૂમિકા મહત્વની રહી છે. આ પ્રવાસથી બંને દેશો વચ્ચેના વેપાર અને રોકાણ સંબંધોને નવી ગતિ મળવાની અપેક્ષા છે. સાથે જ ઉચ્ચ તકનીકી ઉત્પાદન અને નવી પેઢીના ઉદ્યોગોમાં સહયોગની નવી તકો ખુલશે, જે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતની દ્રષ્ટિને અનુરૂપ છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande