
કચ્છ, 20 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીધામ તાલુકાના આદિપુર વિસ્તારમાં પ્રોહીબીશન સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસે વધુ એક કડક પગલું ભર્યું છે. વારંવાર પ્રોહીબીશનના ગુનાઓ સાથે સંકળાયેલા એક યુવાન સામે હદપારીની કાર્યવાહી કરવામાં આવી છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, અંજાર દ્વારા હદપારીનો હુકમ કરવામાં આવતા આરોપીને બે મહિના માટે કચ્છ જિલ્લામાંથી તેમજ કચ્છને અડીને આવેલા જિલ્લાઓમાંથી બહાર રહેવાની ફરજ પડશે.
પ્રાપ્ત વિગતો મુજબ, કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા માટે પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલા ઇસમ પ્રદીપસિંહ દિનેશસિંહ રાજપુત, ઉંમર ૧૯ વર્ષ, રહે. ઓમ મંદિરની પાછળ ઝુંપડા, મણીનગર, આદિપુર, તા. ગાંધીધામ વિરુદ્ધ હદપારીની દરખાસ્ત તૈયાર કરી સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્તની કાયદેસરની પ્રક્રિયા બાદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, અંજાર દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. હુકમ અનુસાર પ્રદીપસિંહ રાજપુતને કચ્છ જિલ્લો તેમજ કચ્છ જિલ્લાને અડીને આવેલા જિલ્લાઓમાંથી બે મહિના માટે હદપાર કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહીથી પ્રોહીબીશન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં કાયદાનો ભય જળવાઈ રહે અને વિસ્તારમાં શાંતિ તથા કાયદો-વ્યવસ્થા મજબૂત બને તેવો પોલીસ તંત્રનો સ્પષ્ટ સંદેશ મળ્યો છે. સમગ્ર કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.એમ. ડુવા તથા સર્વેલન્સ પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar