ગાંધીધામમાં 24 કલાકમાં કમાલ: ગુમ થયેલો કિશોર પોલીસની સતર્કતાથી પરિવારને સુરક્ષિત મળ્યો
કચ્છ, 20 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં ઘરેથી નીકળી ગયેલા સગીર કિશોરને માત્ર એક જ દિવસમાં શોધી કાઢી તેના પરિવારને સુરક્ષિત પરત સોંપીને ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસે ઝડપી અને સંવેદનશીલ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસની સમયસરની કાર્યવા
ગુમ થયેલ બાળકનું પરિવાર સાથે મિલન


કચ્છ, 20 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં ઘરેથી નીકળી ગયેલા સગીર કિશોરને માત્ર એક જ દિવસમાં શોધી કાઢી તેના પરિવારને સુરક્ષિત પરત સોંપીને ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસે ઝડપી અને સંવેદનશીલ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસની સમયસરની કાર્યવાહીથી એક પરિવારની ચિંતા આનંદમાં બદલાઈ ગઈ હતી.

સરહદી રેન્જ ભુજ–કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગુમ થયેલા બાળકો અને અપહરણ સંબંધિત બનાવોમાં તાત્કાલિક શોધખોળ હાથ ધરવાની સૂચનાઓ આપવામાં આવી છે. તે જ અનુસંધાનમાં ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા આ સફળ કામગીરી હાથ ધરવામાં આવી.

ભારતનગર વિસ્તારમાં રહેતા પરિવારની મહિલાએ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી કે તેમનો સગીર પુત્ર 18 ઓગસ્ટના રોજ કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. પરિવારજનોએ પોતાના સ્તરે સગા-સંબંધીઓ તેમજ ઓળખીતાઓમાં શોધખોળ કરી, પરંતુ કિશોરનો કોઈ પત્તો ન મળતાં અંતે પોલીસની મદદ માંગી હતી.

ફરિયાદ મળતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડે સમગ્ર સ્ટાફને તાત્કાલિક શોધ અભિયાન શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ, સ્થાનિક સૂત્રો અને ટેક્નિકલ સર્વેલન્સનો અસરકારક ઉપયોગ કરીને વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. સતત પ્રયત્નો બાદ કિશોર ભારતનગર વિસ્તારમાંથી સુરક્ષિત મળી આવ્યો હતો. ત્યારબાદ જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને કિશોરને તેના માતા-પિતાના હવાલે કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી ચિંતામાં રહેલા પરિવાર માટે આ ક્ષણ રાહત અને ખુશીની બની હતી. પરિવારજનોએ પોલીસની ઝડપી કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસની આ કામગીરી માત્ર ગુમ થયેલા બાળકને શોધવાની ઘટના નથી, પરંતુ મુશ્કેલીની ઘડીએ પોલીસ અને સમાજ વચ્ચેના વિશ્વાસને વધુ મજબૂત બનાવતી સંવેદનશીલ અને જવાબદાર પોલીસિંગનું પ્રેરણાદાયી ઉદાહરણ પણ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande