
કચ્છ, 20 ઓગસ્ટ (હિ.સ.) : રાપર શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા અને ચોરી કે છળકપટથી મેળવેલા મુદ્દામાલની હેરફેર કરનારાઓ સામે કાર્યવાહી કરવા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાપર પોલીસની ટીમે દુધડેરી વિસ્તાર પાસેથી ચાર શખ્સોને અટકાવી તેમની પાસેથી કુલ રૂ.70 હજારની કિંમતનો શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા તેમજ આવા ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાની દેખરેખ હેઠળ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર આર.એલ. ખટાણાના માર્ગદર્શનથી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી.
પેટ્રોલિંગ દરમિયાન રાપર ટાઉનના દુધડેરી વિસ્તાર નજીક પોલીસને ચાર શખ્સો શંકાસ્પદ રીતે જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા તેમની પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવતા તેમની પાસેથી અલગ-અલગ કંપનીના કુલ 10 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ મોબાઈલ ફોનની અંદાજિત કિંમત રૂ.50 હજાર હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત બે પાણીની મોટર પણ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ.20 હજાર ગણવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ.70 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે કબજે કરેલા મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને આ વસ્તુઓ ચોરી કે છળકપટથી મેળવવામાં આવી હોવાની શંકાના આધારે ચારેય શખ્સો વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 35(1)(ઈ) હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ કાર્યવાહી દરમિયાન સુનીલ લખમણભાઈ કોલી, ઉંમર 21 વર્ષ, રાપરના આથમણાનાકા વિસ્તારનો રહેવાસી, ઉંમરદીન વલીમમાદ ત્રાયા, ઉંમર 30 વર્ષ, ખાટલાવાંઢ (પગીવાંઢ), નીઝામ રમઝાન શેખ, ઉંમર 30 વર્ષ, સમાવાસ રાપર અને અલતાફ હાજીભાઈ સમેજા, રાપરમાં એકલર્શાતની પાછળનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે.
સમગ્ર કાર્યવાહી રાપર પોલીસ ઈન્સ્પેક્ટર આર.એલ. ખટાણા તથા રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે કબજે કરાયેલા મોબાઈલ ફોન અને પાણીની મોટર અંગેના સ્ત્રોતની તપાસ શરૂ કરી વધુ વિગતો મેળવવા કાર્યવાહી આગળ ધપાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar