અંજારના સુગારીયા ગામની સીમમાં જુગારની ક્લબ પર પોલીસનો સપાટો, રૂ.૧.૪૨ લાખના મુદ્દામાલ સાથે ૧૦ ઝડપાયા
કચ્છ, 20 ઓગસ્ટ (હિ.સ.) : અંજાર તાલુકાના સુગારીયા ગામની સીમમાં આવેલી એક વાડીમાં ચાલતી કથિત જુગારની પ્રવૃત્તિ પર અંજાર પોલીસે દરોડો પાડી ૧૦ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહીમાં રોકડ રકમ, મોબાઈલ ફોન અને ગંજીપાનાં સહિત કુલ રૂ.૧,૪૨,૪૦૦નો મુદ્દામ
સુગારિયા જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 20 ઓગસ્ટ (હિ.સ.) : અંજાર તાલુકાના સુગારીયા ગામની સીમમાં આવેલી એક વાડીમાં ચાલતી કથિત જુગારની પ્રવૃત્તિ પર અંજાર પોલીસે દરોડો પાડી ૧૦ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહીમાં રોકડ રકમ, મોબાઈલ ફોન અને ગંજીપાનાં સહિત કુલ રૂ.૧,૪૨,૪૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ દ્વારા પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિઓ સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સુગારીયા ગામ નજીક ટકરીવાળી વાડીમાં બહારથી લોકોને બોલાવી ગંજીપાનાથી જુગાર રમાડવામાં આવે છે અને નાલ ઉઘરાવી જુગારની ક્લબ ચલાવવામાં આવે છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વાડીમાં દરોડો પાડતાં જુગાર રમતા શખ્સો ઝડપાઈ ગયા હતા.

પોલીસે જીવાભાઈ વાલાભાઈ ગુજરીયા (ઉં.વ.૪૨), રમેશ સામતભાઈ હુંબલ (૩૯), મોહનભાઈ ભીખાભાઈ કાપડી (૪૫), જયંતીભાઈ શામજી ગુજરીયા (૩૦), દર્શન રતાભાઈ ડાંગર (૨૬), સિધ્ધરાજસિંહ નરપતસિંહ પરમાર (૨૭), ડુલદીપસિંહ રણજીતસિંહ જાડેજા (૩૮), ડેવલ લાલજીભાઈ સુથાર (૨૫), વિરભદ્રસિંહ મહીપતસિંહ જાડેજા (૩૧) અને હરદીપસિંહ કિશોરસિંહ જાડેજા (૩૮)ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ સુગારીયા, મોડસર, અંજાર અને ભુજના રહેવાસી હોવાનું પોલીસની વિગતોમાં જણાવાયું છે.

દરોડા દરમિયાન રોકડા રૂ.૯૨,૪૦૦, ૧૦ મોબાઈલ ફોન અને ગંજીપાનાં મળી કુલ રૂ.૧,૪૨,૪૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી જુગારધારા કલમ ૪ અને ૫ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા તથા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એસ.જી. વાળાના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande