
જામનગર, 20 ઓગસ્ટ (હિ.સ.) :જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ નજીક આવેલી નંદન નિકેતન ટાઉનશીપમાં ખાનગી કંપનીના ક્વાર્ટરમાં તસ્કરોએ ત્રાટકી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી લોખંડના કબાટમાંથી સોનાના દાગીના, ચાંદીની ચીજવસ્તુઓ તથા રોકડ મળી કુલ રૂ.4.58 લાખની માલમતા ચોરી કરી ગયાની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાઈ છે.
ફરિયાદી નીતિન યશવંતભાઈ દીક્ષિત (54) નયારા એનર્જી લિમિટેડમાં ઓપરેશન વિભાગમાં સિનિયર મેનેજર તરીકે છેલ્લા પંદર વર્ષથી ફરજ બજાવે છે અને કંપની તરફથી નંદન નિકેતન ટાઉનશીપમાં ક્વાર્ટર ફાળવવામાં આવ્યું છે. તેમના બાળકોના અભ્યાસને કારણે પરિવાર છેલ્લા ચાર માસથી જામનગરના પંચવટી સર્કલ નજીક સફલ એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહે છે, જ્યારે રજાના દિવસોમાં તેઓ નંદન નિકેતનના ક્વાર્ટરે આવતા જતા હતા.
ફરિયાદ મુજબ, ક્વાર્ટરની ચાવી પરિવાર ઉપરાંત ઓળખીતા એક વ્યક્તિના ઘરે પણ રાખવામાં આવતી હતી અને છેલ્લા સાત વર્ષથી કામકાજ માટે આવતાં કામવાળા મહિલા બપોરના સમયે ક્વાર્ટરમાં સફાઈ કરવા આવતી હતી. તા.16 ઓગસ્ટના રોજ રવિવાર હોવાથી ફરિયાદી પરિવાર સાથે ક્વાર્ટરે આવ્યો હતો અને સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ મકાનને તાળું મારી જામનગરના ફ્લેટે પરત ગયો હતો.
બીજા દિવસે સવારે ટાઉનશીપમાં સામે રહેતા હિતેશભાઈ પટેલે ફોન કરી મકાનના દરવાજાનું તાળું તૂટેલું હોવાનું જણાવતાં ફરિયાદી પત્ની સાથે ક્વાર્ટરે પહોંચ્યો હતો. તપાસ કરતાં દરવાજાનો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો. ટાઉનશીપના સુરક્ષા કર્મચારીઓ ઉપરાંત પોલીસ લાયઝન અધિકારી તથા કંપનીની ડોગ સ્કવોડના કર્મચારીઓ પણ સ્થળે પહોંચ્યા હતા.
મકાનની અંદર તપાસ કરતાં રૂમો ખુલ્લા જોવા મળ્યા હતા અને ઘરનો સામાન વેરવિખેર હતો. એક લોખંડના કબાટમાંથી બે સોનાની ચેન, સોનાની બુટ્ટી, લોકેટ, વીંટીઓ, ગળાનો સેટ, ચાર સોનાની બંગડીઓ, મંગલસૂત્ર તથા નાકના સોનાના દાણા સહિતના દાગીના, ચાંદીના ઝાંઝર, ત્રણ કટોરી અને દીવો તેમજ રોકડા રૂ.13 હજાર મળી કુલ રૂ.4.41 લાખ જેટલી માલમતા ગાયબ હતી. બીજા રૂમના કબાટમાંથી ફરિયાદીની પુત્રીની સોનાની બે બુટ્ટી અને નાકનો સોનાનો દાણો પણ ચોરાઈ ગયો હતો.
ચોરોએ કબાટમાં રાખેલા લેપટોપ અને બે આઇફોનને હાથ લગાવ્યો ન હતો. ક્વાર્ટરમાં સફાઈ માટે આવતી કામવાળી મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, અગાઉના દિવસે બપોરે એક વાગ્યાની આસપાસ ઘરકામ કરી દરવાજો લોક કરીને તે નીકળી ગઈ હતી અને તે સમયે બધું વ્યવસ્થિત હતું.
આ અંગે ફરિયાદી નીતિનભાઈ દીક્ષિતે અજાણ્યા તસ્કરો સામે સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ચોરી ગયેલા સોના-ચાંદીના મોટા ભાગના દાગીના લગ્ન સમયના હોવાથી તેના બિલ હાલમાં ઉપલબ્ધ ન હોવાનું અને બિલ મળ્યેથી રજૂ કરવાની ખાતરી ફરિયાદીએ આપી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt