


વડોદરા/ગાંધીનગર, 20 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટીમાં બુધવારે સુભદ્રા કુમારી ચૌહાણની જયંતિના અવસરે રાજભાષા પ્રકોષ્ઠ અને હિન્દી અભ્યાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે “સુભદ્રા કુમારી ચૌહાણ : રાષ્ટ્રીય ચેતના, સ્ત્રી વિમર્શ અને સાહિત્યિક વારસો” વિષયક સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્ય અતિથિ તરીકે હાજર હરિદેવ જોશી પત્રકારિતા અને જનસંચાર યુનિવર્સિટી, જયપુરના કુલપતિ પ્રો. નંદ કિશોર પાંડેએ જણાવ્યું હતું કે ચૌહાણની રચનાઓમાં સ્વદેશ, સ્વદેશી અને દેશપ્રેમની પ્રબળ ભાવના જોવા મળે છે. સ્વાતંત્ર્ય આંદોલનમાં તેમની સક્રિય ભાગીદારીને કારણે તેમને અને તેમના પતિને અનેક વખત જેલવાસ ભોગવવો પડ્યો હતો. તેમની કૃતિઓમાં માનવીય સંવેદનાઓનું અસરકારક નિરૂપણ જોવા મળે છે.
રાજભાષા રિપોર્ટિંગ અધિકારી પ્રો. જનકસિંહ મીનાએ જણાવ્યું કે તેમનું સાહિત્ય દેશ અને સમાજને નવી દિશા આપનારી રાષ્ટ્રીય ચેતનાથી ઓતપ્રોત છે. હિન્દી વિભાગના અધ્યક્ષ પ્રો. વિપુલકુમારે ‘ઝાંસી કી રાની’ અને ‘વીરોં કા કૈસા હો બસંત’ જેવી કવિતાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમની રચનાઓ યુવાનો અને મહિલાઓને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા પ્રેરિત કરતી હતી. વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાની કલા સંકાયની અધિષ્ઠાતા પ્રો. કલ્પના ગવલી એ જણાવ્યું કે ચૌહાણે સ્ત્રીને સાહસ, સંઘર્ષ, નિર્ણયક્ષમતા, પ્રતિરોધ અને આત્મસન્માનની સશક્ત વાહક તરીકે રજૂ કરી છે. હિન્દી અધિકારી સ્વાતિ સિંહ એ આભારવિધિ વ્યક્ત કરી હતી.
‘સંત સાહિત્ય : સિદ્ધાંત, સાધના અને પરંપરા’ વિષયક સંગોષ્ઠી
યુનિવર્સિટીના ભારતીય સંત સાહિત્ય અભ્યાસ કેન્દ્ર દ્વારા આયોજિત સંગોષ્ઠીમાં મુખ્ય અતિથિ પ્રો. નંદ કિશોર પાંડેએ જણાવ્યું કે સંત સાહિત્ય માનવીય અભિવ્યક્તિનું વિશુદ્ધ સ્વરૂપ છે. તેમણે ‘યત્ પિંડે તત્ બ્રહ્માંડે’ જેવા દાર્શનિક સિદ્ધાંત, સંત અખા, સુંદરદાસ, અખા પર કુંવરચંદ પ્રકાશના લેખન તથા ‘વંશભાસ્કર’ જેવા ગ્રંથોના સંદર્ભોની ચર્ચા કરી.
વિશિષ્ટ અતિથિ પ્રો. ડૉ. નરેશ વેદ, પૂર્વ કુલપતિ, ગુજરાત યુનિવર્સિટી અને ભાવનગર યુનિવર્સિટીએ સંત સાહિત્ય દ્વારા મળતા સામાજિક સમરસતાના સંદેશ પર ભાર મૂક્યો. યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો. અતનુ ભટ્ટાચાર્ય એ આયોજન માટે શુભેચ્છાઓ પાઠવી. ડૉ. દલપત પઢિયાર એ સંત સાહિત્યના ‘સત્વ’ અને તેની સૌંદર્યમયતા અંગે પોતાના વિચારો રજૂ કર્યા તેમજ ભજનોની રજૂઆત પણ કરી. કેન્દ્રના અધ્યક્ષ પ્રો. રાજેશ મકવાણા એ સ્વાગત પ્રવચન આપ્યું અને કાર્યક્રમનું સંચાલન ડૉ. પ્રેમલતા દેવીએ કર્યું. કાર્યક્રમમાં ડૉ. મિલિંદ સોલંકી, ડૉ. પુલકેશી જાની સહિત વિવિધ વિદ્યાશાખાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ