
પાટણ, 20 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર પોલીસે ગણવાડા ગામની સીમમાં ઠાકોરોના ઘોરવાડા ટેબા પર ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી ત્રણ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા, જ્યારે બે શખ્સો નાસી છૂટ્યા હતા.
પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી દરોડો પાડ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં મુસરખાન રહીમખાન (ગણવાડા, સમોડા કોલેજ પાછળ), કનુભાઈ મફાભાઈ દેવીપૂજક (ગણવાડા, ઇન્દિરાપરા) અને અમરતભાઈ (ગણવાડા, ઇન્દિરાપરા)નો સમાવેશ થાય છે.
પોલીસની રેઈડ દરમિયાન રતીલાલ ઉર્ફે રતીયો ડેમાભાઈ દેવીપૂજક અને શૈલેષજી ઉર્ફે ટોલો ચેનાજી ઠાકોર ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી ₹15,450 રોકડા, 52 ગંજીપાના, ₹15,000ના ત્રણ એન્ડ્રોઈડ મોબાઈલ અને ₹65,000ની ત્રણ મોટરસાયકલ, મળી કુલ ₹95,450નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે સિદ્ધપુર પોલીસે પકડાયેલા ત્રણ અને ફરાર બે આરોપીઓ સામે જુગાર ધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ