

વડોદરા, 20 ઓગસ્ટ (હિ.સ.) : પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાજીવ ગાંધીની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના દેશ પ્રત્યેના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રાજીવ ગાંધીના જીવન અને કાર્ય અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ખાસ કરીને ભારતને આધુનિક ટેકનોલોજી અને આઈટી ક્ષેત્રે આગળ લઈ જવામાં રાજીવ ગાંધીના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના ભાગરૂપે કોંગ્રેસ કાર્યાલયની બહાર છોડ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ જાળવણી અને હરિયાળીને પ્રોત્સાહન આપવાના સંદેશ સાથે કાર્યકરો દ્વારા લોકોને છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, સ્થાનિક નગર સેવકો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં તેમના વિચારો અને દેશના વિકાસમાં તેમના યોગદાનને યાદ કરવાની સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ