
રાજકોટ,20 ઓગસ્ટ (હિ.સ.) પવિત્ર શ્રાવણ માસના આગમન સાથે સમગ્ર રાજકોટ જાણે શિવમય બની ગયું છે. શહેરના શિવાલયોમાં ભક્તિભાવ અને આસ્થાનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. શ્રાવણના પવિત્ર દિવસોમાં શિવભક્તિનો આ દિવ્ય માહોલ વધુ ગાઢ બન્યો છે ત્યારે રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આજી નદીના પવિત્ર પટમાં આશરે સાડા ચારસો વર્ષથી બિરાજમાન સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં ભવ્ય ધ્વજા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટના આરાધ્યદેવ અને લોકઆસ્થાના કેન્દ્ર સમા શ્રી રામનાથ મહાદેવના દર્શનાર્થે શ્રાવણ માસ દરમિયાન લાખો ભાવિકો ઉમટી પડે છે. વર્ષોથી ભક્તોની અખૂટ શ્રદ્ધાનું કેન્દ્ર રહેલું આ પવિત્ર સ્થાન માત્ર ધાર્મિક આસ્થાનું ધામ જ નહીં, પરંતુ રાજકોટની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ચેતનાનું પણ પ્રતીક બની રહ્યું છે.
શ્રી રામનાથ મહાદેવ ધ્વજારોહણ સમિતિ દ્વારા છેલ્લા ઓગણીસ વર્ષથી અવિરતપણે શ્રી રામનાથ મહાદેવને વાજતે-ગાજતે ધ્વજા અર્પણ કરવાની પરંપરા જાળવવામાં આવી રહી છે. આ પવિત્ર પરંપરાનો પ્રારંભ આશરે ઓગણીસ વર્ષ પૂર્વે સ્વ.બકુલ વોરા દ્વારા કરવામાં આવ્યો હતો. વર્ષોથી ચાલતી આ પરંપરા આજે ભક્તિ, સામાજિક એકતા અને સમરસતાના વિશિષ્ટ પર્વ તરીકે વિકસિત થઈ છે.
આ પરંપરાને આગળ ધપાવતાં 22 ઓગસ્ટ, 2026, શનિવારના રોજ રાત્રે 9:00 કલાકે કોઠારિયા નાકા ખાતે આવેલી કિશોરસિંહજી સ્કૂલ ખાતેથી ભવ્ય ધ્વજા યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે.
આ યાત્રાની વિશેષતા એ રહેશે કે દલિત સમાજ તથા વાલ્મીકી સમાજની બહેનો દ્વારા શ્રી રામનાથ મહાદેવની પવિત્ર ધ્વજા શિરે ધારણ કરીને યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. સામાજિક સમરસતાના આ ભાવને સાકાર કરતી આ પહેલ સમગ્ર સમાજ માટે એક સશક્ત અને પ્રેરણાદાયી સંદેશ બની રહેશે.
ધર્મ, સમાજ અને સંસ્કૃતિના આ સંગમ સમી ધ્વજા યાત્રામાં પચાસથી વધુ સામાજિક સંસ્થાઓ તેમજ વિવિધ સમાજોના પ્રતિનિધિઓ અને કાર્યકરો ઉત્સાહભેર જોડાશે.રામનાથપરા વિસ્તારના નાગરિકો માટે આ યાત્રા હવે માત્ર ધાર્મિક કાર્યક્રમ રહી નથી, પરંતુ વર્ષોથી જળવાતી એક જીવંત સામાજિક પરંપરા બની છે.
ભગવા ધ્વજની આગેવાની હેઠળ શિસ્તબદ્ધ રીતે આગળ વધનારી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે. શિવભક્તિના ભજનો અને ભક્તિસંગીતના સૂર સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની જશે. ભાવિકો ભક્તિભાવ સાથે ભજન-કીર્તનના સૂર પર હર્ષોલ્લાસપૂર્વક જોડાશે. યાત્રામાં મુખ્ય ધ્વજા ઉપરાંત વિવિધ સમાજો, સંસ્થાઓ અને પરિવારો દ્વારા પણ શ્રી રામનાથ મહાદેવને ધ્વજા અર્પણ કરવામાં આવશે.
આ પ્રસંગે નેપાળી સમાજ, શ્રીપાર્ક સોસાયટી-મોરબી રોડ, થેલેસેમિયા સોસાયટી, મહાદેવ ગ્રુપ-દૂધસાગર રોડ, કોબિયા પરિવાર, બ્રાહ્મણ સમાજ, વણકર સમાજ, ખાંટ સમાજ, મામાસાહેબ ચેરિટેબલ ટ્રસ્ટ, બાલાજી મિત્ર મંડળ, દલિત સમાજ, શ્રી બાલકૃષ્ણ ગ્રુપ સહિત વિવિધ સમાજો, સંસ્થાઓ અને પરિવારો દ્વારા ધ્વજા અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ તથા સમાજોના આગેવાનો અને કાર્યકરો પણ આ પાવન પ્રસંગે ઉપસ્થિત રહી શ્રી રામનાથ મહાદેવ પ્રત્યે પોતાની શ્રદ્ધા અર્પણ કરશે.
યાત્રાનું વિશેષ આકર્ષણ ભરવાડ સમાજના યુવાનો દ્વારા રજૂ કરવામાં આવનાર પરંપરાગત લાઠીદાવ રહેશે. શૌર્ય, સાહસ અને લોકપરંપરાની જીવંત ઝાંખી કરાવતો લાઠીદાવ યાત્રાના માહોલમાં વિશેષ આકર્ષણ ઉમેરશે.
કિશોરસિંહજી સ્કૂલથી પ્રસ્થાન કરનારી આ ધ્વજા યાત્રા ગરુડ ગરબી ચોક, રામનાથપરા મેઈન રોડ થઈને શ્રી રામનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે.
યાત્રાના સમગ્ર માર્ગમાં વિવિધ સમાજો અને સંસ્થાઓ દ્વારા ભાવભેર સ્વાગત કરવામાં આવશે. પોતાના આરાધ્યદેવ ભગવાન શ્રી પશુપતિનાથ મહાદેવ પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવતો નેપાળી સમાજ મોટી સંખ્યામાં આ યાત્રામાં સહભાગી બનશે. આ ઉપરાંત બડા બજરંગ ફાઉન્ડેશન તથા તેના સભ્યો, ગરુડ ગરબી મંડળ, મામાસાહેબ ચેરિટેબલ ટ્રસ્ટ, અંબિકા ગ્રુપ-કરણપરા, કોઠારિયા નાકા મિત્ર મંડળ, ભરવાડ સમાજ, રાજપૂત સમાજ, ઓડ સમાજ, કોળી સમાજ સહિત વિવિધ સમાજો અને સંસ્થાઓ દ્વારા યાત્રાનું હર્ષભેર સ્વાગત કરવામાં આવશે.
શ્રી રામનાથ મહાદેવની આ ધ્વજા યાત્રા માત્ર ધાર્મિક વિધિ પૂરતી સીમિત નથી. વિવિધ સમાજો, સંસ્થાઓ અને વર્ગોને એક જ ધર્મધ્વજ હેઠળ એકત્રિત કરતી આ યાત્રા રાજકોટની સામાજિક સમરસતા, સાંસ્કૃતિક એકતા અને આધ્યાત્મિક ચેતનાનું જીવંત પ્રતિબિંબ છે. જ્યાં ભેદની રેખાઓ ઓગળી જાય અને શ્રદ્ધાનો એક જ પ્રવાહ સૌને જોડે, ત્યાં આવી પરંપરાઓ સમાજજીવનને નવી ઊર્જા અને એકતાનો સંદેશ આપે છે.
શ્રી રામનાથ મહાદેવ ધ્વજારોહણ સમિતિ દ્વારા રાજકોટની સમગ્ર ધર્મપ્રેમી જનતાને પરિવાર સહિત આ પાવન ધ્વજા યાત્રામાં સહભાગી બની શ્રી રામનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા તથા આ ભવ્ય ધાર્મિક અને સામાજિક પ્રસંગને સફળ બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ