

વડોદરા , 20 ઓગસ્ટ (હિ.સ.) સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનારા વડોદરાના ભાયલી દુષ્કર્મ કેસમાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. કેસમાં આરોપી બનાવાયેલા તમામ પાંચેય આરોપીઓને અદાલતે ગુનેગાર જાહેર કર્યા છે. હવે આગામી 25 ઓગસ્ટના રોજ આરોપીઓને કેટલી સજા ફટકારવામાં આવે છે તેના પર સૌની નજર છે.
વર્ષ 2024માં નવરાત્રિના બીજા નોરતે ભાયલી વિસ્તારમાં સગીરા સાથે અમાનુષી દુષ્કર્મની ઘટના બની હતી. ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ અને ચિંતા ફેલાવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓની ધરપકડ કરી હતી અને કેસને મજબૂત બનાવવા માટે વિવિધ પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા.
આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલો દ્વારા અદાલતમાં ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. કેસમાં કુલ 45 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. સાથે જ ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ અને ફોરેન્સિક પુરાવાઓ પણ તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થયા હોવાનું સામે આવ્યું છે.
અદાલતે ઉપલબ્ધ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીના આધારે પાંચેય આરોપીઓને ગુનેગાર જાહેર કર્યા છે. હવે 25 ઓગસ્ટે સજાના મુદ્દે સુનાવણી થશે અને ત્યારબાદ અદાલત દ્વારા સજાનું એલાન કરવામાં આવશે.
ચકચારી કેસમાં પાંચેય આરોપીઓ દોષિત ઠરતાં પીડિત પરિવારને ન્યાય મળવાની આશા વધુ મજબૂત બની છે. બીજી તરફ ગુનેગારોને કઠોરમાં કઠોર સજા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ