

વડોદરા , 20 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલા ખિસકોલી સર્કલ પાસે નજીવી બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બની હતી. આ દરમિયાન કેટલાક ઇસમોએ એક યુવાન પર જાહેરમાં લાકડી અને પથ્થર વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, કોઈ બાબતે થયેલી બોલાચાલી બાદ કેટલાક ઇસમોએ યુવાન પર લાકડીઓ વડે અંધાધૂંધ માર માર્યો હતો. આ ઉપરાંત પથ્થર વડે પણ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ છે. હુમલામાં યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં લોહીલુહાણ હાલતમાં નીચે પટકાયો હતો.
ઈજાગ્રસ્ત યુવાને આક્ષેપ કર્યો છે કે હુમલો કરનારા કેટલાક લોકો મોટા પાયે દારૂના ધંધા સાથે સંકળાયેલા છે અને દારૂના ગેરકાયદે ધંધાનો વિરોધ કરવાના કારણે તેના પર હુમલો કરવામાં આવ્યો છે. જોકે, આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ પોલીસ તપાસ બાદ જ થઈ શકશે.
ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ 112ની પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
હાલ પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવીના આધારે હુમલામાં સંડોવાયેલા ઇસમોની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસે તપાસ તેજ કરી છે.
નજીવી બાબતે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતાં જાહેરમાં હુમલાની આ ઘટનાને પગલે વિસ્તારમાં પણ ચકચાર મચી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ