
જામનગર, 20 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લામાં ગઈકાલે બુધવારે રાત્રે પોલીસે જુગાર અંગે અલગ-અલગ ચાર દરોડા પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ 22 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે ચારેય સ્થળેથી કુલ રૂ.1,20,780ની રોકડ રકમ તથા ગંજીપત્તા કબજે કરી જુગારધારા કલમ 12 મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેરના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગેશ્વર કોલોનીમાં લાકડાના બેંસા પાસે જાહેરમાં ગોળ કુંડાળું વળી તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે કિશન ધીરૂભાઈ પરમાર (25), મીલન ડાયાભાઈ શિયાળ (25), મીલન ધીરૂભાઈ શિયાળ (23) અને વિમલ ભાવેશભાઈ બારીયા (19) સહિત 4 શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી રૂ.11,120 રોકડા તથા ગંજીપત્તા કબજે કર્યા હતા.
બીજા બનાવમાં ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધરમપુર ગામની ચબુતરાવાળી શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પ્રવિણભાઈ જેસીંગભાઈ રાઠોડ (30), સંજય ઉર્ફે પકો કાળુભાઈ પરેશા (30), દિનેશભાઈ ચનાભાઈ સોનારા (35), નરેશભાઈ શીવાભાઈ પરેશા (26), રામાભાઈ સોંડાભાઈ ચાવડીયા (23) અને મનસુખભાઈ નાથાભાઈ પરેશા (55) મળી છ શખ્સો ઝડપાયા હતા. પોલીસે સ્થળેથી રૂ.3,010 રોકડા અને ગંજીપત્તા કબજે કર્યા હતા.
લાલપુરમાં ધરાનગર શેરાની હોટેલ પાછળ સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા અતુલભાઈ લધુભાઈ વાઘેલા (46), મુકેશભાઈ રામજીભાઈ રાઠોડ (36), નિલેશભાઈ કારાભાઈ રાઠોડ (35) અને સાહીલભાઈ વિજયભાઈ કબીરા (21) મળી 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ.4,350 રોકડા તથા ગંજીપત્તા મળી કુલ રૂ.4,350નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ચોથા બનાવમાં સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાવલસર વાડી વિસ્તારની ચંદરીયા સ્કૂલ વાડી ગલીમાં ચારણનેશ પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમાતો ઝડપાયો હતો. પોલીસે જયેન્દ્રસિંહ હેમતસિંહ જાડેજા (37), લખમણભાઈ રાજશીભાઈ ગઢવી (37), રાયદેભાઈ કેશુભાઈ કારીયા (28), વિશ્વજીતસિંહ ગંભીરસિંહ જાડેજા (27), સિધ્ધરાજસિંહ અરવિંદસિંહ જાડેજા (29), અર્જુનભાઈ પાલાભાઈ કારીયા (32), રઘુવીરસિંહ જુવાનસિંહ જેઠવા (35) અને ધર્મેશભાઈ મેઘાણંદભાઈ સાખરા (28) મળી 8 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.1,02,300 રોકડા તથા ગંજીપત્તા કબજે કર્યા હતા.
આમ, જામનગર શહેરના નાગેશ્વર કોલોની, ધ્રોલના ધરમપુર, લાલપુરના ધરાનગર અને સિક્કાના રાવલસર વાડી વિસ્તાર મળી ચાર સ્થળે પોલીસે પાડેલા દરોડામાં કુલ 22 શખ્સો ઝડપાયા હતા અને રૂ.1,20,780 રોકડા સહિત ગંજીપત્તા કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt