
પાટણ, 20 ઓગસ્ટ (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામે સ્ટેટસ મૂકવા બાબતે થયેલી બોલાચાલી બાદ ૨૧ વર્ષીય આકાશજી અશોકજી ઠાકોર પર તલવાર અને લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને ૧૦૮ મારફતે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, આકાશજીને એક અજાણ્યા શખ્સે ફોન કરી ‘સ્ટેટસ કેમ મૂક્યું?’ તેમ કહી ગાળો આપી ધમકી આપી હતી. ત્યારબાદ માનસંગજી ઠાકોર ધોકો લઈને આકાશજીના ઘર પાસે આવ્યા હતા અને મારામારી કરી હતી. દરમિયાન ‘વિસુદ’ નામના શખ્સે તલવારથી આકાશજીના માથામાં ઘા કર્યો હતો.
આ ઉપરાંત સંજયજી ઠાકોર સહિતના અન્ય શખ્સોએ પણ આકાશજીને ગડદાપાટુનો માર માર્યો હતો. આકાશજીની માતા વચ્ચે પડતાં તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. હુમલાખોરોએ ઘર આગળ પાર્ક કરેલી રિક્ષાના કાચ અને લાઇટોમાં તોડફોડ કરી હતી. સારવાર દરમિયાન આકાશજીના માથામાં છ ટાંકા આવ્યા હતા.
ઘટના અંગે આકાશજી ઠાકોરે સિદ્ધપુર પોલીસ મથકે માનસંગજી ઠાકોર (રહે. મહેસાણા), વિસુદ, સંજયજી ઠાકોર (રહે. બિલિયા, તા. સિદ્ધપુર) અને એક મોબાઇલ નંબર ધારક સહિત ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સિદ્ધપુર પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ