
સુરત, 21 ઓગસ્ટ (હિ.સ.) : સુરતના ડીંડોલી વિસ્તારમાં પરિવારથી નારાજ થઈ ઘરેથી નીકળી ગયેલી 13 વર્ષીય સગીરાને 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમે સમયસરની કામગીરી અને અસરકારક કાઉન્સેલિંગ દ્વારા સુરક્ષિત રીતે પરિવારને સોંપી હતી.
મળતી માહિતી મુજબ, ડીંડોલી વિસ્તારમાં એક જાગૃત નાગરિકને ગભરાયેલી હાલતમાં એક સગીરા મળી આવી હતી. તેમણે તાત્કાલિક 181 અભયમ મહિલા હેલ્પલાઈન પર જાણ કરી હતી. માહિતી મળતાં જ 181 અભયમ ઉમરા ટીમ સ્થળ પર પહોંચી હતી.
ટીમના સભ્યોએ સગીરા સાથે પ્રેમ અને હૂંફપૂર્વક વાતચીત કરી તેને વિશ્વાસમાં લીધી હતી. શરૂઆતમાં ડર અને અસલામતી અનુભવતી સગીરાનું કાઉન્સેલિંગ કરવામાં આવતાં તેણે પોતાની ઓળખ અને પરિવાર અંગેની માહિતી આપી હતી.
પૂછપરછ દરમિયાન સગીરાએ જણાવ્યું હતું કે તે ધોરણ-8માં અભ્યાસ કરે છે. ઘરના સભ્યોના ઠપકા અને પરિવારની કેટલીક પરિસ્થિતિથી નારાજ થઈને તે કોઈને જાણ કર્યા વિના વહેલી સવારે ઘરેથી નીકળી ગઈ હતી.
પરિવારને પણ કરાયું કાઉન્સેલિંગ
181 અભયમ ટીમે સગીરાની ઉંમર અને જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને તેની સુરક્ષા અને હિતને પ્રાથમિકતા આપી હતી. સાથે જ પરિવારનો સંપર્ક કરી દાદી તથા અન્ય પરિવારજનોનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.
પરિવાર સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે સગીરા તેની માતા સાથે રહેતી નથી અને તેના નાના ભાઈ-બહેન સહિત બાળકોના પાલનપોષણની જવાબદારી દાદી સંભાળે છે. દાદીએ જણાવ્યું હતું કે બાળકોનું ભવિષ્ય સારું બને તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. સગીરા અગાઉ પણ વારંવાર ઘરેથી નીકળી જતી હોવાથી અને પરિવારની વાત ન સાંભળતી હોવાથી દાદીએ તેને સમજાવી હતી. આ બાબતથી નારાજ થઈ સગીરા સ્કૂલે જવાના બહાને કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી.
181 અભયમ ટીમે પરિવારજનોને સગીરા સાથે પ્રેમ, ધીરજ અને સમજણપૂર્વક વર્તન કરવા તેમજ તેના શિક્ષણ અને ભવિષ્યને પ્રાથમિકતા આપવા સમજાવ્યું હતું.
કાઉન્સેલિંગ બાદ સગીરાએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ખાતરી આપી હતી. 181 અભયમ ટીમની સમયસરની કામગીરી અને અસરકારક કાઉન્સેલિંગના પગલે સગીરાને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવી હતી. પરિવારજનોએ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે