

પાટણ, 21 ઓગસ્ટ (હિ.સ.)પાટણ બી ડિવિઝન પોલીસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ નિમિત્તે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે વિદ્યાર્થીઓ માટે ડ્રગ્સ જાગૃતિ અને વ્યસનમુક્તિ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. “નશામુક્ત સમાજ-સુરક્ષિત સમાજ”ના સંકલ્પ સાથે યોજાયેલા કાર્યક્રમમાં DySP પરેશ રેણુકા, વૈદિક એડિક્શન સેન્ટરના ડો. ભાવિન પટેલ, ડો. શ્વેતા મોદી, બી ડિવિઝન PI નીરવ શાહ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન, કોકેન, બ્રાઉન શુગર, સિન્થેટિક ડ્રગ્સ, નશીલી ગોળીઓ અને ઈન્જેક્શન જેવા નશીલા પદાર્થોથી થત ગંભીર નુકસાન અંગે સમજ આપવામાં આવી હતી. નશાના કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, અભ્યાસ, કારકિર્દી, પરિવાર અને આર્થિક સ્થિતિ પર થતી વિપરીત અસરો અંગે માર્ગદર્શન અપાયું હતું. સાથે જ યુવાધનને નશાથી દૂર રહી સકારાત્મક અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરાઈ હતી.
આ ઉપરાંત NDPS અધિનિયમ, 1985 હેઠળ નશીલા પદાર્થોના ઉત્પાદન, વેચાણ, ખરીદી, સંગ્રહ, પરિવહન અને ઉપયોગ બદલ થતી કડક કાયદાકીય કાર્યવાહી તથા સજા અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા. પોલીસે શંકાસ્પદ નશાકીય પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અને નશામુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ