જામનગરમાં ઘરખર્ચના પૈસા માંગતાં દંપતી વચ્ચે ઝઘડો : પતિએ પત્નીને મારકૂટ કર્યાનો આક્ષેપ
જામનગર, 21 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના મયુર એવન્યુ વિસ્તારમાં રહેતી 38 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ સામે લાંબા સમયથી શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવી છે. પતિ ઘરખર્ચના પૈસા આપતા નહીં અને પૈસા માંગવા જેવી નાની બાબતે પણ ઝઘડો
ફરિયાદ


જામનગર, 21 ઓગસ્ટ (હિ.સ.) :

જામનગરના મયુર એવન્યુ વિસ્તારમાં રહેતી 38 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ સામે લાંબા સમયથી શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવી છે. પતિ ઘરખર્ચના પૈસા આપતા નહીં અને પૈસા માંગવા જેવી નાની બાબતે પણ ઝઘડો કરી ગાળો આપી મારકૂટ કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

મયુર એવન્યુ, આહીર કન્યા છાત્રાલય પાસે રહેતી મંજુબેન હેમંતભાઈ નકુમે ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના લગ્ન વર્ષ 2006માં જામનગરના હેમંત લાધાભાઈ નકુમ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને બે દીકરીઓ છે. ફરિયાદ મુજબ લગ્નના થોડા સમય બાદથી જ પતિ દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડો કરી ગાળો આપવા ઉપરાંત હાથ મરોડવા, ગાલ તથા શરીરના અન્ય ભાગોમાં થપ્પડ મારવા અને ઘરખર્ચ માટે નાણાં ન આપવાનો ત્રાસ શરૂ થયો હતો.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે પતિ પત્ની કે દીકરીઓની યોગ્ય સારસંભાળ રાખતા નહીં અને જરૂરિયાત સમયે દવા લેવા પણ લઈ જતા નહીં. આ ત્રાસ છતાં પોતાનો ઘર-સંસાર જાળવી રાખવા માટે અત્યાર સુધી ચૂપચાપ સહન કરતી હોવાનું પરિણીતાએ જણાવ્યું છે.

દરમિયાન ફરિયાદી માર્કેટિંગનું કામ કરતી હતી ત્યારે કુરજીભાઈ નામના વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી અને છેલ્લા આશરે પાંચ વર્ષથી તેમની સાથે મિત્રતાના સંબંધો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પતિના ત્રાસથી કંટાળીને તા. 1 ઓગસ્ટ, 2026ના રોજ કુરજીભાઈ સાથે મૈત્રી કરાર કર્યો હોવા છતાં તે પતિ સાથે જ રહેતી હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે.

આ દરમિયાન પતિ દ્વારા ફરી મારકૂટ કરવાની વાતની જાણ થતાં ફરિયાદીએ ગઈકાલે પોલીસ અધિક્ષક કચેરી તથા સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ અરજી કરી હતી. અરજી કર્યા બાદ રાત્રિના આશરે આઠ વાગ્યે ઘરે પહોંચતાં પતિએ ફરી ઝઘડો કરી ગાળો આપી હાથ, પગ, વાંસો અને માથાના ભાગે ઢીકાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ છે.

મારકૂટ દરમિયાન ફરિયાદીની દીકરી કાવ્યાએ માતાના મોબાઇલ ફોનમાંથી જનરક્ષક વાહન 112ને ફોન કરતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્ત મંજુબેનને સારવાર માટે જી.જી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સારવાર પૂર્ણ થયા બાદ તેમણે પતિ હેમંતભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande