
અમદાવાદ,21 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના પિતા ડૉ. વિક્રમ સારાભાઈ અને અન્ય દુરંદેશી મહાનુભાવો દ્રારા 1956માં સ્થપાયેલ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન વ્યાખ્યાનો, મેનેજમેન્ટ કાર્યક્રમો, ઔદ્યોગિક મુલાકાતો અને પ્રકાશનો વગેરે દ્રારા પ્રોફેશનલ્સ માટે સતત એક ગતિશીલ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે.
એએમએ દ્રારા ઓગસ્ટ,2026માં 70મા વર્ષમાં પ્રવેશ કરીને તેની પ્લેટિનમ જ્યુબિલી સાથે એક ઐતિહાસિક સિધ્ધિ હાંસલ કરી છે. એએમએ દ્રારા આજથી તેની પ્લેટિનમ જ્યુબિલી (1956-2026 ) વર્ષની ઉજવણી શરુઆત કરવામાં આવી હતી. ઓગષ્ટ 2026 થી ઓગષ્ટ 2027 દરમિયાન વર્ષભર ચાલનારી આ ઉજવણીના ભાગરૂપે, એએમએ દ્રારા શ્રેણીબધ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રિયા ગાંધીએ (એએમએની પ્રોગ્રામ કમિટીના સભ્ય અને હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડના ડિરેક્ટર) પ્રારંભિક પ્રવચન આપતા, એએમએના વારસા અને ભવિષ્યના વિઝનને વણી લેતા એએમએના 70 એએમએઝિંગ વર્ષોની ઉજવણી, બ્રાન્ડ ઇન્ડિયામાં તેનું પ્રદાન, અને ઓલ્વેઝ મુવિંગ અહેડ તરીકેની ઓળખ પર પ્રકાશ પાડ્યો હતો.
સોહેલ સેઠ (કાઉન્સિલેજ ઇન્ડિયાના સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર; બ્રાન્ડ કન્સલ્ટન્ટ અને સ્ટ્રેટેજિક એડવાઇઝર) દ્રારા પ્લેટિનમ જ્યુબિલી લોગોના લોન્ચિંગ અને બ્રાન્ડ ઇન્ડિયા: ધ ચેલેન્જિસ એન્ડ વ્હોટ ઇન્ડિયન્સ મસ્ટ ડૂ વિષય પર વિશેષ વક્તવ્ય સાથે આ પ્લેટિનમ જ્યુબિલીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સોહેલ સેઠે બ્રાન્ડ ઇન્ડિયાની વૈશ્વિક છબી, ભવિષ્યના મુખ્ય પડકારો અને દેશની વૈશ્વિક ઓળખને મજબૂત કરવામાં નાગરિકો તથા આગેવાનોએ ભજવવાની સામૂહિક ભૂમિકા વિશે મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા. પિયાલી ચટ્ટોપાધ્યાય દ્રારા કાર્યક્રમનું સમાપન અને આભારવિધિ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ