

અંબાજી21 ઓગસ્ટ (હિ.સ.) પાલનપુર ખાતે યોજાયેલી બેન્ડ સ્પર્ધામાં શ્રી શક્તિ સેવા કેન્દ્રના ભરથરી સમાજના દીકરાઓની બેગપાઇપર બેન્ડે 500 માંથી 420 ગુણ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. બેન્ડના સભ્યોએ શિસ્તબદ્ધ અને તાલબદ્ધ પ્રદર્શન સાથે પોતાની પ્રતિભા, ટીમવર્ક અને આત્મવિશ્વાસનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.આ સફળતા સતત મહેનત, નિયમિત તાલીમ, શિસ્ત અને સમર્પણનું પરિણામ છે. સ્પર્ધામાં 420 ગુણ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને દીકરાઓએ શ્રી શક્તિ સેવા કેન્દ્ર સાથે પોતાના પરિવાર અને ભરથરી સમાજનું પણ ગૌરવ વધાર્યું છે.શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા બાળકોને પોતાની પ્રતિભા વિકસાવવા તેમજ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા માટે સતત તકો અને માર્ગદર્શન આપવામાં આવે છે. બેગપાઇપર બેન્ડની તાલીમ દ્વારા દીકરાઓમાં સંગીતની કુશળતા સાથે શિસ્ત, ટીમભાવના, આત્મવિશ્વાસ અને જવાબદારીની ભાવના પણ વિકસાવવામાં આવી રહી છે.
પાલનપુરની બેન્ડ સ્પર્ધામાં મળેલી આ સફળતા શ્રી શક્તિ સેવા કેન્દ્ર પરિવાર માટે ગૌરવની ક્ષણ બની છે. આ સિદ્ધિ બદલ બેન્ડના તમામ સભ્યો, તાલીમકાર તથા સહયોગી સ્ટાફને સંસ્થા તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.બાળકોને યોગ્ય દિશા, તાલીમ અને તક મળે તો તેઓ પોતાની પ્રતિભા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં આગવી ઓળખ ઊભી કરી શકે છે, તેનું આ સફળતા એક સુંદર ઉદાહરણ છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ