
નવસારી, 21 ઓગસ્ટ (હિ.સ.) : નવસારી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે છેલ્લા ત્રણ દિવસથી ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે સઘન ચકાસણી અભિયાન ચલાવ્યું છે. આ અભિયાન દરમિયાન નેશનલ હાઈવે-48 પર આવેલી હોટલો, રેસ્ટોરન્ટ્સ તેમજ બીલીમોરાના શ્રાવણી મેળામાં વિવિધ ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી હતી. નિયમોનું પાલન ન કરનાર ચાર એકમોને સુધારણા નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે ચાર ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન પરથાણ પાટિયા સ્થિત સાઈ વિભૂતિ ફૂડ કોર્ટમાંથી મલાઈ પનીરનો નમૂનો લેવામાં આવ્યો અને આશરે 16 કિલો તૈયાર ખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરાયો હતો. ધારાગીરીના મેકડોનાલ્ડ્સમાંથી મિક્સ બેરી સ્મૂધી, ટોન્ડ મિલ્ક અને મેંગો ફ્લેવર્ડ ડીપના નમૂનાઓ પણ તપાસ માટે સીલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત હોટલ ગ્રીન ઓનિયન, હોટલ નવજીવન અને હોટલ નીલકંઠને પણ સ્વચ્છતા સંબંધિત ખામીઓ બદલ નોટિસ આપવામાં આવી હતી.
બીલીમોરાના શ્રાવણી મેળામાં 35 જેટલા ફૂડ સ્ટોલની તપાસ દરમિયાન 65 લિટર બિનઆરોગ્યપ્રદ લાલ ચટણી અને 23 લિટર વારંવાર ઉપયોગમાં લેવાયેલું રસોઈ તેલ મળી આવતાં કુલ 88 લિટર અયોગ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. વિભાગે વેપારીઓને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006નું પાલન કરવા સૂચના આપી છે અને લેબોરેટરી રિપોર્ટ બાદ જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે