સિદ્ધપુરમાં સૌહાર્દપૂર્ણ બેઠક: શ્રાવણ પૂર્ણ થાય ત્યાં સુધી મટન માર્કેટ બંધ રાખવા સહમતિ
પાટણ, 21 ઓગસ્ટ (હિ.સ.) - સિદ્ધપુરમાં ધાર્મિક આસ્થા અને સામાજિક સૌહાર્દને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં નગરપાલિકા આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનો અને મટન માર્કેટના વેપારીઓ સાથે બેઠક યોજા
સિદ્ધપુરમાં સૌહાર્દપૂર્ણ બેઠક: શ્રાવણ પૂર્ણ થાય ત્યાં સુધી મટન માર્કેટ બંધ રાખવા સહમતિ


પાટણ, 21 ઓગસ્ટ (હિ.સ.) - સિદ્ધપુરમાં ધાર્મિક આસ્થા અને સામાજિક સૌહાર્દને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં નગરપાલિકા આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનો અને મટન માર્કેટના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

સિદ્ધપુર પવિત્ર ધાર્મિક નગરી હોવાથી શ્રાવણ માસ દરમિયાન હિન્દુ સમાજની ધાર્મિક લાગણી અને આસ્થાને ધ્યાનમાં રાખીને મટન માર્કેટની દુકાનો શ્રાવણ પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રાખવા રજૂઆત કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજના આગેવાનો અને વેપારીઓએ આ રજૂઆતને સકારાત્મક રીતે સ્વીકારી હતી.

વેપારીઓએ જરૂરી વ્યવસ્થા કરવા માટે બે દિવસનો સમય માગ્યો છે. ત્યારબાદ આવતા સોમવારથી શ્રાવણ માસ પૂર્ણ થાય ત્યાં સુધી મટન માર્કેટ સંપૂર્ણપણે બંધ રાખવાની ખાતરી આપવામાં આવી છે.

આ નિર્ણયને સિદ્ધપુરની શાંતિ, એકતા અને ભાઈચારાની પરંપરાને મજબૂત બનાવતી પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે. બંને સમાજ વચ્ચે પરસ્પર સન્માન અને સમજણનો સંદેશ આપતી આ પહેલની ચર્ચા થઈ રહી છે.

સિદ્ધપુરને દેવોની નગરી તરીકે ઓળખવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન અહીં આવેલા વિવિધ શિવધામોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે. આ ધાર્મિક વાતાવરણને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા નિર્ણયથી સામાજિક સૌહાર્દનો સંદેશ વધુ મજબૂત બન્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande