
સુરત, 21 ઓગસ્ટ (હિ.સ.) : સુરતની નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશના વતની એક મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ બાદ સફળતાપૂર્વક કેવિટી એમ્બાલ્મિંગ કરવામાં આવ્યું હતું. જરૂરી કાયદાકીય પ્રક્રિયા અને પ્રમાણપત્રો પૂર્ણ કર્યા બાદ મૃતદેહને હવાઈ માર્ગે તેમના વતન જૌનપુર મોકલવા માટે પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, તા. 20 ઓગસ્ટે ડીંડોલી પોલીસ સ્ટેશન મારફતે મૂળ શાહગંજ, જિલ્લા જૌનપુર (ઉત્તર પ્રદેશ)ના વતની અને હાલ ડીંડોલીમાં રહેતા 54 વર્ષીય રવિપ્રકાશ શ્યામનારાયણ રાજપૂતનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગમાં લાવવામાં આવ્યો હતો.
પરિવારજનો મૃતકની અંતિમવિધિ તેમના વતન જૌનપુર ખાતે કરવા માંગતા હોવાથી મૃતદેહને હવાઈ માર્ગે ઉત્તર પ્રદેશ લઈ જવાનો હતો. આ માટે એમ્બાલ્મિંગ જરૂરી બન્યું હતું. ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડો. ચંદ્રેશ ટેલરના માર્ગદર્શન હેઠળ ડો. મિલિન્દ પટેલ, ડો. ગર્વિત ચૌધરી અને ડો. દિપાલી દ્વારા પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ તાત્કાલિક કેવિટી એમ્બાલ્મિંગ કરવામાં આવ્યું હતું.
તબીબો દ્વારા જરૂરી એમ્બાલ્મિંગ સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા અને તમામ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
આ દરમિયાન સ્વ. મજુલાબેન રમેશચંદ્ર પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઈકબાલ કડીવાલાના હસ્તે પરિવારજનોને કોફીન બોક્સ વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું કે ભવિષ્યમાં કોઈ મૃતદેહને ટ્રેન અથવા વિમાન મારફતે વતન લઈ જવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે પરેશભાઈ પટેલની માતૃશ્રીની સ્મૃતિમાં ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે કોફીન બોક્સની સુવિધા પૂરી પાડવામાં આવશે.
અત્યાર સુધીમાં 7 મૃતદેહનું વિનામૂલ્યે એમ્બાલ્મિંગ
નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધીક્ષક ડો. પારુલ વડગામાએ જણાવ્યું હતું કે હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગમાં એમ્બાલ્મિંગની સેવા સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવે છે. અત્યાર સુધીમાં પરિવારજનોની વિનંતી પર કુલ 7 કેસમાં સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરવામાં આવ્યું છે અને મૃતદેહોને વિવિધ આંતરરાષ્ટ્રીય તથા આંતરરાજ્ય સ્થળોએ મોકલવામાં આવ્યા છે. પરિવારજનો દુઃખની ઘડીમાં હોય ત્યારે તેમને શક્ય તેટલી રાહત મળે તે માટે નવી સિવિલ હોસ્પિટલ સતત પ્રયાસ કરી રહી છે.
એમ્બાલ્મિંગ શું છે?
એમ્બાલ્મિંગ મૃતદેહને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે કરવામાં આવતી વિશેષ તબીબી અને રાસાયણિક પ્રક્રિયા છે. મૃત્યુ બાદ શરીરમાં કુદરતી રીતે વિઘટનની પ્રક્રિયા શરૂ થાય છે. એમ્બાલ્મિંગ દ્વારા આ પ્રક્રિયાને ધીમી કરવામાં આવે છે, જેથી મૃતદેહને પરિવહન દરમિયાન વધુ સમય સુધી સુરક્ષિત રાખી શકાય અને દુર્ગંધ સહિતની સમસ્યાઓને નિયંત્રિત કરી શકાય.
એમ્બાલ્મિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તબીબો દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે, જે હવાઈ અથવા રેલવે માર્ગે મૃતદેહના પરિવહન માટે જરૂરી દસ્તાવેજોમાંનું એક છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે