
નવસારી, 21 ઓગસ્ટ (હિ.સ.): નવસારીની સબજેલમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતોએ મુલાકાત લઈને 400થી વધુ કેદીઓ સાથે પ્રેરણાત્મક સંવાદ કર્યો હતો. સંતોએ જીવનમાં થયેલી ભૂલોમાંથી શીખ લઈને સકારાત્મક પરિવર્તન તરફ આગળ વધવાની પ્રેરણા આપી હતી. તેમણે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ઉપદેશોનો ઉલ્લેખ કરી વ્યસનમુક્તિ, સારા સંસ્કારો અને આધ્યાત્મિક જીવનના મહત્વ પર ભાર મૂક્યો હતો.
સંતોએ કેદીઓને સંબોધતા જણાવ્યું કે દરેક વ્યક્તિથી ભૂલો થઈ શકે છે, પરંતુ સાચો માર્ગ અપનાવી જીવનમાં સુધારો લાવવો સૌથી મહત્વનો છે. તેમણે વ્યસનોનો ત્યાગ કરવા, પરિવાર સાથે સારા સંબંધો જાળવવા અને ભવિષ્યમાં ગુનાખોરીથી દૂર રહી સમાજમાં સન્માનપૂર્ણ જીવન જીવવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. સાથે જ આત્મિક શાંતિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવાની પણ પ્રેરણા આપી હતી.
કાર્યક્રમ દરમિયાન જેલર કે.કે. જાદવે સંતોનો આભાર વ્યક્ત કર્યો હતો અને કેદીઓ માટે દર્શન તેમજ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. અંતે તમામ કેદીઓ, જેલ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓને લાડુનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. વંદે માતરમ્ રાષ્ટ્રગીતના ગાન સાથે સમગ્ર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે