
ભાવનગર, 21 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે અને મચ્છરજન્ય તેમજ અન્ય રોગચાળાને અટકાવી શકાય તે હેતુથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ‘સફાઈ અપનાવો, બીમારી ભગાવો’ અભિયાન તથા મોનસુન સફાઈ અભિયાન અંતર્ગત સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ અભિયાનના ભાગરૂપે મહાનગરપાલિકાની ટીમો દ્વારા શહેરના વિવિધ સ્લમ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. રહેણાંક વિસ્તારોમાં એકત્રિત થયેલો કચરો દૂર કરવા ઉપરાંત ગંદકી, કચરાના ઢગલા અને પાણી ભરાવાની સંભાવના ધરાવતા સ્થળોની સફાઈ કરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધવાની શક્યતા રહેતી હોવાથી આવા સ્થળોને પ્રાથમિકતા આપી સફાઈ કરવામાં આવી હતી.
સફાઈ કામગીરી સાથે સ્લમ વિસ્તારોમાં જરૂરી સ્થળોએ દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા સહિતના રોગોનો ફેલાવો અટકાવવા માટે દવાનો છંટકાવ કરી રોગચાળા સામે નિયંત્રણના પગલાં લેવામાં આવ્યા હતા.
મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પણ પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે. ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવું, કચરો જાહેર સ્થળે ન નાખવો અને પાણીના પાત્રોને ઢાંકીને રાખવા જેવી સાવચેતી રાખવા જણાવાયું છે.
ચોમાસા દરમિયાન સ્વચ્છતા અને આરોગ્યની સ્થિતિ જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકાની આ કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA