


પાટણ, 21 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ રેલવે સ્ટેશને લાંબા સમયની માંગણી બાદ ભગત કી કોઠી-ચેન્નઈ સુપરએક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ શરૂ થયું છે. સાંસદ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સાથે પાટણ સ્ટેશન પર હવે રોકાતી ટ્રેનોની સંખ્યા વધીને 17 થઈ છે.
22 કોચની આ ટ્રેન પાટણને ચેન્નઈ, સુરત, વારંગલ અને ખાનદેશ જેવા મહત્વના શહેરો સાથે જોડશે. આ રેલ સેવા ઔદ્યોગિક, વેપારી તેમજ સાંસ્કૃતિક કનેક્ટિવિટી માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પાટણ રેલવે સ્ટેશનનો ₹40 કરોડથી વધુના ખર્ચે કાયાકલ્પ થઈ રહ્યો છે. રાણી કી વાવની થીમ આધારિત સ્ટેશન, નવી એન્ટ્રી, 12 મીટર પહોળો ફૂટ ઓવરબ્રિજ, એસી-નોન એસી વેટિંગ હોલ અને અન્ય સુવિધાઓનું નિર્માણ થઈ રહ્યું છે. સ્ટેશન માર્ચ સુધીમાં લોકાર્પિત થવાની શક્યતા છે.
રાધનપુર-ચાણસ્મા રેલવે લાઇનનો સર્વે પણ ચાલી રહ્યો છે. ઉપરાંત ₹3,200 કરોડના ખર્ચે મહેસાણા-તારંગા-અંબાજી-આબુ રોડ રેલવે લાઇન મંજૂર થઈ છે અને તેનું ટેસ્ટિંગ પૂર્ણ થયું છે. સાંસદે જણાવ્યું હતું કે લોકસભામાં ઝીરો અવરમાં મુદ્દો ઉઠાવ્યા બાદ આ મહત્વની રેલવે લાઇનને મંજૂરી મળી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ