
સુરત, 21 ઓગસ્ટ (હિ.સ.) : ચોર્યાસી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાની 28 ગ્રામ પંચાયતોમાં મંજૂર થયેલા કુલ રૂ.2.58 કરોડના વિકાસ કામોના વર્ક ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા સભ્યોના હસ્તે આ વર્ક ઓર્ડરનું વિતરણ કરાયું હતું.
મંજૂર થયેલા વિકાસ કામોમાં બારડોલી વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ 15 ગ્રામ પંચાયતો માટે રૂ.1.33 કરોડ, ચોર્યાસી વિધાનસભાની 10 ગ્રામ પંચાયતો માટે રૂ.93.50 લાખ અને ઓલપાડ વિધાનસભા મતવિસ્તારની 3 ગ્રામ પંચાયતો માટે રૂ.31.50 લાખના કામોનો સમાવેશ થાય છે.
નાણાકીય વર્ષ 2026-27 માટે આયોજન કરાયેલા આ વિકાસ કામોમાં કાચા રસ્તાઓને ડામર રોડમાં પરિવર્તિત કરવા, સીસી રોડ, પેવર બ્લોક, ગટર વ્યવસ્થા અને પાણી પુરવઠા સહિતના વિવિધ કામો હાથ ધરવામાં આવશે. આ કામો પૂર્ણ થયા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા અને મૂળભૂત સુવિધાઓમાં વધુ સુધારો થવાની અપેક્ષા છે.
આ પ્રસંગે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વિવિધ અનુદાનો અને સરકારી વિભાગોની યોજનાઓના માધ્યમથી ચોર્યાસી તાલુકામાં વિકાસકામોને સતત વેગ મળી રહ્યો છે. સરકાર ‘સૌના સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’ની ભાવના સાથે જનકલ્યાણ માટે સતત કાર્યરત છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચોર્યાસી તાલુકો સુરત મહાનગરની નજીક આવેલો હોવાથી અહીં શહેર જેવી આધુનિક અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી સમયની માંગ છે. આ દિશામાં વિકાસકામોને પ્રાથમિકતા આપી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ મજબૂત બનાવવામાં આવી રહી છે.
કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ યશ્વી પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ હાર્દિક પટેલ, ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ, જિલ્લા-તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે