
- એફઆઈઆર થતા રાજકોટ સિવિલમાં જુનિયર તબીબોએ હડતાળ સમેટી.
રાજકોટ, 21 ઓગસ્ટ (હિ.સ.) : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથેની ગેરવર્તણૂંકનો મામલે કાર્યવાહી કરવામાં આવી છે. 20 ઓગસ્ટ 2026 ગુરુવારના રોજ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સિનિયર તબીબ અશ્વિન રામાણીએ જુનિયર તબીબ ડોક્ટર ક્રિશા શિંગાળાને ગાળો ભાંડવામાં આવી હોવાનું તેમજ લાફો માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પ્રદ્યુમન નગર પોલીસે ડો.અશ્વિન રામાણીની અટકાયત કરી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દર્દીની સારવારને લઈને થયેલી બોલાચાલી ઉગ્ર બનતા મહિલા રેસિડેન્ટ ડોક્ટર ક્રિશા શિંગાળાને સિનિયર તબીબે ગાળો આપી માર માર્યાનો આક્ષેપ સામે આવ્યો છે. ઘટનાને પગલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં સિનિયર તબીબ ડો. અશ્વિન રામાણી વિરુદ્ધ BNSની કલમ 115(2), 352 અને 351(2) હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.
રાજકોટની પીડિયું સિવિલના ઇમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતા મહિલા રેસિડન્ટ ડોક્ટર પર સિનિયર ડોક્ટર દ્વારા હુમલો કરી ગાળો ભાંડી ધમકી આપવાનો ગંભીર બનાવ 20 ઓગસ્ટે સામે આવ્યો હતો. આ ઘટનાને પગલે રોષે ભરાયેલા રેસિડન્ટ તબીબો રાત્રે વિરોધ પર ઉતર્યા હતા. જોકે, પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ડો. અશ્વિન વિઠ્ઠલભાઈ રામાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા જુનિયર તબીબોએ હડતાળ સમેટી પુનઃ ફરજ પર પરત ફર્યા છે.
આ મામલે આજે આરોપી ડો. અશ્વિન રામાણીની પોલીસે અટકાયત કરી છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના આરએમઓ, મેડિકલ કોલેજ ડીન સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા જુનિયર તબીબો સાથે એક બેઠક ચાલી રહી છે, જેમાં હોસ્પિટલની વ્યવસ્થા અને તબીબોની સુરક્ષા અંગે કડક નિર્ણય લેવાઈ શકે છે.
પીડિત ડો. ક્રિશા શીંગાળાએ કહ્યું કે, દર્દીના ઇલાજને લઈ થોડી મગજમારી અને ગેરસમજ થઈ હતી. દરમિયાન મેડિકલ ઓફિસર અશ્વિન રામાણી ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે અશોભનીય શબ્દોનો પ્રયોગ કરીને તેમણે મારા પર હાથ ઉપાડ્યો હતો. સાથે આવા અધિકારીઓ તેમની આસપાસ કે હોસ્પિટલમાં ન દેખાવા જોઈએ તેવી માગ કરી છે.
ફરિયાદમાં 26 વર્ષીય ડો. ક્રિશા નિલેશકુમાર સિંગાળાએ જણાવ્યું કે, તેઓ કાલાવડ રોડની નાલંદા સોસાયટીમાં રહે છે અને સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગમાં 6 માસથી રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. 20 ઓગસ્ટની તેમની 24 કલાકની ઇમરજન્સી વોર્ડની શિફ્ટ દરમિયાન સાંજના 07:30થી 07:45 વાગ્યાના અરસામાં એક ગંભીર હાલતમાં વૃદ્ધ માજી સારવારમાં આવ્યા હતા. દર્દીની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી અને તેમને વેન્ટિલેટરની જરૂરિયાત હોવાથી પોતે ઇમરજન્સી વોર્ડમાં ફરજ પરના ડો.અશ્વિન વિઠ્ઠલભાઈ રામાણીને રજૂઆત કરી હતી.
દર્દીને ઇમરજન્સી વોર્ડમાં રાખવા અંગેની રજૂઆત પર ડો.અશ્વિન રામાણીએ કોઈ ધ્યાન આપ્યું ન હતું અને દર્દીને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવા જણાવ્યું હતું. જેને લઈને આ બાબતે પોતે ફરીથી રજૂઆત કરતા મામલો ઉગ્ર બન્યો હતો. દરમિયાન અચાનક ઉશ્કેરાઈ ગયેલા ડો. અશ્વિન રામાણીએ ઝઘડો કરી, બોલાચાલી કરીને લાફો મારી દીધો હતો. તેમજ ભૂંડી ગાળો આપી અહીં તારા બાપનું રાજ નથી, હું તને જોઈ લઈશ કહીને ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના ઇમરજન્સી રૂમમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારબાદ અન્ય સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફે વચમાં પડી મામલો થાળે પાડ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ