
- સંરક્ષણ દળોમાં જોડાવવા ઈચ્છતા ગીર સોમનાથના ઉમેદવારોએ રોજગાર કચેરી, ઈણાજ ખાતે અરજી આપવી
ગીર સોમનાથ, 21 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યના યુવાનોની સંરક્ષણ ક્ષેત્રમાં વધુને વધુ પસંદગી થાય અને યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણના કામમાં થાય તે હેતુથી કચ્છ-ભુજ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, કચ્છ ભુજ દ્વારા બી.એસ.એફ. તાલીમ કેન્દ્ર ભુજ ખાતે રહેવા તથા જમવાની સગવડ સાથે તદ્દન નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમવર્ગમાં ફિઝીકલ તથા લેખીત પરીક્ષાલક્ષી તાલીમ આપવામાં આવશે. આ પૂર્વ આયોજનનાં ભાગરૂપે તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છતા ગીર સોમનાથ જિલ્લાના પુરૂષ ઉમેદવારોને જિલ્લા રોજગાર કચેરી, ગીર સોમનાથ ખાતે રૂબરૂ આવી ૧૦ દિવસમાં અરજી આપવાની રહેશે.
અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલ ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જોડાઈ શકશે નહી.
ઉમેદવારનું તાલીમ માટેનું ફાઈનલ સિલેક્શન સંરક્ષણ ક્ષેત્રના નક્કી કરેલા શારીરિક માપદંડ મુજબ કરવામાં આવશે. રોજગાર કચેરીને સમય મર્યાદામાં મળેલ અરજીઓ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભુજને મોકલી આપવામાં આવશે. એમ ઈન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ