સોમનાથ જિલ્લામાં 'સમરસ વિદ્યા સેતુ અભિયાન'નો પ્રારંભ
ગીર સોમનાથ, 21 ઓગસ્ટ (હિ.સ.) : આજનું બાળક એ આવતીકાલના ભારતનું ભવિષ્ય છે. જેથી તમામ બાળક ફરજિયાત શિક્ષણ મેળવે એ પાયાની જરૂરિયાત છે. આ હેતુને લક્ષ્યમાં રાખી શાળા છોડી ગયેલા ડ્રોપ આઉટ બાળકોને શોધીને તેમનું કાઉન્સેલિંગ કરી બાળકોને શિક્ષણની મુખ્યધારામાં
રામમંદિર ઓડિટોરિયમ ખાતેથી જિલ્લામાં 'સમરસ વિદ્યા સેતુ અભિયાન'


ગીર સોમનાથ, 21 ઓગસ્ટ (હિ.સ.) : આજનું બાળક એ આવતીકાલના ભારતનું ભવિષ્ય છે. જેથી તમામ બાળક ફરજિયાત શિક્ષણ મેળવે એ પાયાની જરૂરિયાત છે. આ હેતુને લક્ષ્યમાં રાખી શાળા છોડી ગયેલા ડ્રોપ આઉટ બાળકોને શોધીને તેમનું કાઉન્સેલિંગ કરી બાળકોને શિક્ષણની મુખ્યધારામાં પુનઃ જોડાણ કરવાના ઉદ્દેશ્યથી રામમંદિર ઓડિટોરિયમ ખાતેથી 'સમરસ વિદ્યા સેતુ અભિયાન'નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપતા શાળામાં પુન:જોડાણ, શિક્ષણમાં સાતત્ય, બ્રીજકોર્ષ, શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો, જનભાગીદારી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના લક્ષ્યાંકોની સિદ્ધિ જેવા સમરસ વિદ્યા સેતુ અભિયાનના ઉદ્દેશો, શાળા વ્યવસ્થાપન સમિતિ, ગ્રામપંચાયત અને જનપ્રતિનિધિઓની ભૂમિકા, ગેરહાજર બાળકોનું મોનિટરિંગ, દિવ્યાંગ અને સ્થળાંતરિત પરિવારના બાળકોનો અભ્યાસ સહિત શાળા વિકાસ યોજનાઓ વિશે વિગતવાર માહિતી રજૂ કરી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચાએ પુનઃપ્રવેશની ઉત્તમ કામગીરી બદલ જિલ્લાના શિક્ષકોને બીરદાવ્યા હતા અને બાળકોનું શાળામાં સ્થાયીકરણ, બાળકોનો શાળામાં પુનઃપ્રવેશ, આરટીઈ એક્ટ સહિત 'નિપુણ ગુજરાત' અને 'સ્કાર્ફ' સિસ્ટમનો ઉલ્લેખ કરી કોઈપણ બાળક શાળા ન છોડે અને શાળામાં વીજળી, પાણી, મેદાન સહિત માળખાકીય સુવિધાઓ થકી જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા જળવાય એ રીતે કામગીરી કરવા પ્રેરણા આપી હતી.

ઉલ્લેખનીય છે કે, 'કોઈ ન રહે પાછળ, વિદ્યા વધારે આગળ'ની થીમ સાથે 'સમરસ વિદ્યા સેતુ અભિયાન' અંતર્ગત કોઈ કારણોસર શાળા છોડી ગયેલા બાળકોને શોધી વય અનુરૂપ ધોરણમાં પુનઃપ્રવેશ અને સ્પેશ્યિલ બ્રિજકોર્ષ દ્વારા તેમને શિક્ષણ આપવામાં આવશે.

સામાજીક, આર્થિક અને મૌસમી પરિબળો સહિત કેટલીક પરિસ્થિતિ બાળકોના શિક્ષણમાં અવરોધ બને છે. જેના કારણે બાળક શાળા છોડી દે છે. આવા બાળકોને શિક્ષણની મુખ્યધારામાં લાવી સમાજના અંતિમ ધ્રુવ સુધી શિક્ષણનો ઉજાસ પહોંચાડવો એ સૌની નૈતિક ફરજ છે.

આ નૈતિક ફરજને અગ્રતા આપી પુનઃપ્રવેશની ઉત્તમ કામગીરી કરનાર શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

આ ઉદ્ઘાટન સમારોહમાં ડાયેટ પ્રાચાર્ય વી.એમ.પંપાણિયા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.ડી.અપારનાથી, એજ્યુકેશન ઈન્સ્પેક્ટર રાજેશ ડોડિયા તેમજ સી.આર.સી, બી.આર.સી કર્મચારીઓ અને ડાયેટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande