
પાટણ, 21 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લાના સાંતલપુરના વતની અને હાલ અમેરિકામાં વસવાટ કરતા આંતરરાષ્ટ્રીય કથાકાર ડો. અશ્વિનભાઈ કાંતિલાલ રાજગોરનું અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં સન્માન કરવામાં આવ્યું હતું. રામકથા દરમિયાન તુલસી જયંતિના પાવન પ્રસંગે પૂજ્ય સંત શ્રી મોરારીબાપુના હસ્તે તેમને ‘વ્યાસ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માનથી સાંતલપુર સહિત સમગ્ર પાટણ જિલ્લાનું ગૌરવ વધ્યું છે.
ડો. અશ્વિનભાઈ રાજગોર વિવિધ પશ્ચિમી દેશોમાં ભારતીય સનાતન સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને ભારતીય મૂલ્યોનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. તેમણે જ્યોતિષ વિષયમાં પી.એચ.ડી.ની પદવી મેળવી છે તેમજ સંસ્કૃત વિષયમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહી ચૂક્યા છે. વિદેશની ધરતી પર પોતાની કથાઓ અને આધ્યાત્મિક પ્રવચનો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો સંદેશ પહોંચાડવા બદલ તેમને આ વિશેષ સન્માન મળ્યું છે.
હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે મોરારીબાપુના હસ્તે ‘વ્યાસ એવોર્ડ’થી સન્માનિત થવા બદલ સાંતલપુર પંથકના લોકો, સમાજના આગેવાનો અને શુભેચ્છકોએ ડો. અશ્વિનભાઈ રાજગોરને અભિનંદન પાઠવ્યા હતા. તેમના આ સન્માનને પાટણ જિલ્લાના ગૌરવ અને ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રસાર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ