જૂનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને 'દિશા' કમિટીની બેઠક યોજાઈ
- વિકાસકાર્યો અનાવશ્યક રીતે વહીવટી પ્રક્રિયાના કારણે વિલંબિત ન થાય તેની સવિશેષ કાળજી લેવા સૂચના જુનાગઢ 21 ઓગસ્ટ (હિ.સ.) : સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને આજે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ (દિશા) કમિટીની બેઠક યોજાઈ હતી.
દિશા' કમિટીની બેઠક યોજાઈ


- વિકાસકાર્યો અનાવશ્યક રીતે વહીવટી પ્રક્રિયાના કારણે વિલંબિત ન થાય તેની સવિશેષ કાળજી લેવા સૂચના

જુનાગઢ 21 ઓગસ્ટ (હિ.સ.) : સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને આજે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ (દિશા) કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ તેમજ વિકાસકાર્યોની પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં સાંસદએ માત્ર આંકડાકીય વિગતોને પ્રાધાન્ય આપવાને બદલે યોજનાઓનો વાસ્તવિક રીતે ધરાતલ પર કેટલો અને કેવો અમલ થઈ રહ્યો છે, તેને લક્ષ્યમાં રાખીને વિવિધ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે જનકલ્યાણકારી યોજનાઓના માધ્યમથી લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ લીનાબેન વિપુલભાઈ કાવાણી, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, કલેક્ટર યોગેશ ચૌધરી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લક્ષ્યાંકની સરખામણીએ હાંસલ થયેલી સિદ્ધિઓની સમીક્ષા કરવામાં આવી હતી.

સાંસદએ સુશાસનના સંદર્ભમાં પાત્રતા ધરાવતા કોઈપણ નાગરિક કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભથી વંચિત ન રહે તે માટે વિશેષ પ્રયાસો હાથ ધરવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખાસ કરીને ઇનોવેટિવ અભિગમ અપનાવી યોજનાકીય લાભો વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચે તે માટે જરૂરી દિશાનિર્દેશો પણ આપ્યા હતા.

સાંસદએ વિકાસકાર્યો બિનજરૂરી રીતે વહીવટી પ્રક્રિયાના કારણે વિલંબિત ન થાય તેની સવિશેષ કાળજી લેવા સૂચના આપી હતી. ઉપરાંત, આગામી દિશા કમિટીની બેઠકમાં પ્રગતિ અહેવાલ રજૂ કરવા પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં દરેક તાલુકામાં રમતગમતનાં મેદાનો વિકસાવવા અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. ગામડાંની વસ્તીને આધારે તેમજ સ્થાનિક કક્ષાએ ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને રમતગમતનાં મેદાનો વિકસાવવા અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ આ સમીક્ષા બેઠકમાં વિકાસ અને જનકલ્યાણનાં કામોને વેગ મળે તે માટે રચનાત્મક સૂચનો આપ્યા હતા.

આ બેઠકમાં વિકસિત ભારત G RAM G (મનરેગા), નેશનલ હાઈવે ઓથોરિટીના રસ્તાઓ, પીએમ કિસાન સન્માન નિધિ, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના, રેલવે પ્રોજેક્ટ, સ્વામિત્વ યોજના, મત્સ્યોદ્યોગ, નાબાર્ડ, સમાજ સુરક્ષા, પશુપાલન અને ખેતીવાડી, મધ્યાહ્ન ભોજન, શિક્ષણ, વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ સહિતની વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકનું સંચાલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ. જાડેજાએ કર્યું હતું. તેમણે ડીઆરડીએ સંલગ્ન યોજનાઓની વિગતો પણ રજૂ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૌર, મ્યુનિસિપલ કમિશનર આઈ. આર. વાળા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

--------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande