
જુનાગઢ, 21 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યના ઉર્જા અને કાયદા વિભાગના રાજ્ય મંત્રી અને જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે આવતી કાલે તા. ૨૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ જૂનાગઢ સંગ્રહાલયની નવસર્જન પામેલ 'તાજમંજિલ' ઈમારતનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ જૂનાગઢ રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોશિયા, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા તથા જિલ્લાના તમામ ધારાસભ્યઓ અને અન્ય મહાનુભાવો મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેશે.
આશરે છેલ્લા ૧ વર્ષથી જૂનાગઢ સંગ્રહાલય રિનોવેશનના કારણે બંધ હતું. આ રિનોવેશનનો કુલ ખર્ચ રૂ. ૨ કરોડ ૧૪ લાખ થયો છે, જેમાં પ્રદર્શનની કામગીરી ૩ માસમાં પૂર્ણ કરવામાં આવી છે. સંગ્રહાલયમાં રોયલ કલેક્શનની સાથે પુરાતત્વીય કલેક્શન પણ સામેલ છે, જેમાં ચાંદીની કલાકૃતિઓ, હોદાપાલખી, કાચકળા, હથિયાર, ફર્નિચર, મૂર્તિઓ તથા ટેરાકોટા ઓબ્જેક્ટસ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત કેટલીક નવી ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે, જેમાં યુરોપિયન ગેલેરી, મિનિએચર પેઈન્ટીંગ ગેલેરી, ઓઈલ પેઈન્ટીંગ ગેલેરી અને આરઝી હકુમત જેવી નવી ગેલેરીઓનો સમાવેશ થાય છે. વિશેષમાં, ફક્ત લોકાર્પણના દિવસે જ જૂનાગઢ સંગ્રહાલય બપોરે ૩:૦૦ કલાક થી પ:૩૦ કલાક સુધી નાગરિકો માટે વિના મૂલ્યે ખુલ્લું રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ