
રાજપીપળા, 21 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્ય સરકારના કર્મચારીઓમાં સેવા ભાવના, કાર્યક્ષમતા, પારદર્શિતા અને નાગરિક કેન્દ્રિત અભિગમ વિકસાવવાના હેતુથી નર્મદા જિલ્લાના નાંદોદ મામલતદાર કચેરી ખાતે 18 થી 20 ઓગસ્ટ, 2026 દરમિયાન જિલ્લામાં વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ માટે ત્રિ-દિવસીય કર્મયોગી પ્રશિક્ષણ તાલીમ યોજાઈ હતી.
રાજ્ય સરકાર કર્મચારીઓની ક્ષમતા વૃદ્ધિ માટે કર્મયોગી જેવા તાલીમ અભિગમને પ્રોત્સાહન આપી
રહી છે. ત્યારે આ પ્રશિક્ષણમાં જિલ્લા કક્ષાની વિવિધ કચેરીઓના કર્મયોગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
તાલીમ દરમિયાન જિલ્લા પશુપાલન વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડૉ. એન.એમ.ગોસાઈ તથા
કન્યા વિનય મંદિર, રાજપીપળાના શિક્ષિકા ભૂમિકા માલીએ માસ્ટર ટ્રેનર તરીકે સેવા આપી
કર્મયોગીઓને વિષયવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ત્રણ દિવસીય પ્રશિક્ષણ દરમિયાન કર્મયોગીની ભૂમિકા અને જવાબદારીઓ, કર્મના લક્ષણો,
વ્યક્તિત્વ વિકાસ, અસરકારક સંવાદ કૌશલ્ય, કચેરીમાં આવતા નાગરિકો અને લાભાર્થીઓ સાથે સૌજન્યપૂર્ણ તથા સંવેદનશીલ વ્યવહાર, અધિકારીઓ અને સહકર્મચારીઓ સાથે ટીમભાવના અને સુમેળપૂર્વક કાર્ય કરવાની પદ્ધતિ, સમયમર્યાદામાં ગુણવત્તાસભર કામગીરી પૂર્ણ કરવાની કાર્યશૈલી તેમજ સરળ, પારદર્શક અને વિવાદમુક્ત વહીવટ જેવા વિવિધ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રશિક્ષણ દરમિયાન પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, જૂથ ચર્ચા, સમૂહ પ્રવૃત્તિઓ, પ્રશ્નોત્તરી અને વ્યવહારુ
ઉદાહરણોના માધ્યમથી કર્મયોગીઓને કાર્યસ્થળે અસરકારક રીતે અમલમાં મૂકી શકાય તેવી બાબતો સમજાવવામાં આવી હતી.
પ્રશિક્ષણનો મુખ્ય ઉદ્દેશ કર્મયોગીઓમાં નિઃસ્વાર્થ સેવાભાવ, જવાબદારી, સંવેદનશીલતા અને
નાગરિકોને ગુણવત્તાસભર તથા સમયબદ્ધ સેવાઓ પૂરી પાડવા પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત
બનાવવાનો હતો. પ્રશિક્ષણ દ્વારા કર્મયોગીઓમાં કાર્યક્ષમતા, સકારાત્મક અભિગમ અને જનકેન્દ્રિત વહીવટ અંગેની સમજ વધુ વિકસે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ