
કચ્છ, 21 ઓગસ્ટ (હિ.સ.) અંજાર શહેર પોલીસ મથક વિસ્તારમાં સગીર બાળકને નિશાન બનાવી ગંભીર પ્રકારનો ગુનો આચરવામાં આવતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ અંજાર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી માનવસૂત્રો અને પોલીસ ટીમની સતત મહેનતના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીને પગલે ગુનાહિત પ્રવૃત્તિ સામે અંજાર પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરી સામે આવી છે.
મળતી વિગતો મુજબ, અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અનુસાર આરોપી હિતેશ સુદાભાઈ મકવાણા, રહે. મિથીલા સોસાયટી, સાંગ નદીના ખુણા પાસે, અંજાર, કચ્છ દ્વારા સગીર બાળકને બળજબરીપૂર્વક મકલેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલા ઝાડીવાળા વિસ્તારમાં લઈ જવામાં આવ્યું હતું. આરોપીએ બાળકને આશરે એક કલાક સુધી ત્યાં રોકી રાખી તેની સાથે પોક્સો કાયદા હેઠળ ગંભીર અને સંવેદનશીલ ગુનો આચર્યો હોવાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ બનાવમાં અંજાર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયા બાદ પોલીસ અધિકારીઓએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આરોપીને ઝડપથી પકડવા માટે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટાફે સ્થાનિક સ્તરે માનવસૂત્રો સક્રિય કરી આરોપી અંગે માહિતી એકત્રિત કરી હતી. સતત કરવામાં આવેલી શોધખોળ દરમિયાન આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
આ મામલે બી.એન.એસ.ની સંબંધિત કલમો ઉપરાંત પોક્સો એક્ટની કલમ 3(એ), 4(2), 5(આઈ)(એલ) અને 6 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ અગાઉ પણ અંજાર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા તથા પી.એસ.આઈ. સી.એમ. ચૌધરી સહિત અંજાર પોલીસ સ્ટાફે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar