




કચ્છ, 21 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે બેદરકારી દાખવતા ખાદ્ય વ્યવસાયકારો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલી ખાદ્ય સુરક્ષા ઝુંબેશના ભાગરૂપે કચ્છમાં હોટલ અને રેસ્ટોરન્ટ્સને નિશાન બનાવી અચાનક તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ ૧૮ જેટલી પેઢીઓની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં નિયમોના ભંગ બદલ ૯ પેઢીઓને સુધારણા માટે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.
કચ્છ જિલ્લાના ફૂડ સેફ્ટી ઓફિસર્સ એસ.બી. પટેલ, એમ.એમ. પટેલ અને વી.એમ. બારંડાની સંયુક્ત ટીમે વિવિધ વિસ્તારોમાં હોટલ-રેસ્ટોરન્ટ્સના રસોડાં અને ખાદ્ય સામગ્રીની તપાસ કરી હતી. અધિકારીઓએ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ઉપરાંત રસોડાની સ્વચ્છતા, કર્મચારીઓની વ્યક્તિગત હાઇજીન, ખાદ્ય સામગ્રીના સંગ્રહની પદ્ધતિ, FSSAI લાયસન્સ તથા ડિસ્પ્લે બોર્ડ સહિતની જરૂરી બાબતોનું નિરીક્ષણ કર્યું હતું.
તપાસ દરમિયાન કેટલીક જગ્યાએ માનવ આરોગ્ય માટે યોગ્ય ન હોય તેવી ખાદ્ય સામગ્રી મળી આવતા તંત્રએ તેને સ્થળ પર જ નાશ કરી દીધી હતી. તેમાં આશરે ૩૦ કિલો ફેટ સ્પ્રેડ, બટર તરીકે ઉપયોગમાં લેવાતો જથ્થો, ૮ કિલો વાસી પનીર તેમજ કૃત્રિમ રંગનો ઉપયોગ કરાયેલી આશરે ૪૦ કિલો જૂની ગ્રેવીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આશરે ૫૦૦ ગ્રામ કૃત્રિમ ફૂડ કલર, પાઉંભાજી માટે ઉપયોગમાં લેવાતા ૬ ડઝન અનબ્રાન્ડેડ પાવ અને પેકિંગ તથા જરૂરી વિગતો વિના રાખવામાં આવેલા બ્રેડના પેકેટ્સ પણ જપ્ત કરી નાશ કરવામાં આવ્યા હતા.
ફૂડ સેફ્ટી વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોએ ખાદ્ય સામગ્રીની ખરીદીથી લઈને રસોઈ અને પીરસવા સુધી સ્વચ્છતા તથા સલામતીના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. ખાસ કરીને લેબલ અને જરૂરી વિગતો વગરની સામગ્રીનો ઉપયોગ ટાળવા તેમજ રસોડાની સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં પણ કચ્છમાં આવી તપાસ વધુ કડક રીતે ચાલુ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar