


કચ્છ, 21 ઓગસ્ટ (હિ.સ.) કચ્છમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી કાર્યવાહી વચ્ચે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કોડાય પોલીસ સ્ટેશન હદમાં બે અલગ-અલગ કેસમાં કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત કુલ રૂ.3.53 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, LCB પશ્ચિમ કચ્છ ભુજની ટીમે મળેલી બાતમીના આધારે કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. પ્રથમ કાર્યવાહીમાં પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 664 બોટલો તેમજ બીયરના 24 ટીન મળી આવ્યા હતા. આ દારૂ અને બીયરની કુલ કિંમત રૂ.1,33,040 હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત એક મોબાઇલ ફોન, જેની કિંમત રૂ.500 આંકવામાં આવી છે, તે પણ કબજે કરવામાં આવ્યો હતો. આમ પ્રથમ કેસમાં કુલ રૂ.1,33,540નો મુદ્દામાલ પોલીસના હાથે લાગ્યો હતો.
આ કેસમાં બીદડા વાડી વિસ્તાર, તા.માંડવીના રહેવાસી અમૃતભાઈ શામજી રામાણીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીદડા, તા.માંડવીના અર્જુન ભીખા સંઘાર અને બાબુ મંગા સંઘારને આરોપી તરીકે દર્શાવી તેમની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજી કાર્યવાહીમાં પણ પોલીસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 85 બોટલો અને બીયરના 24 ટીન મળી કુલ રૂ.20,000ની કિંમતનો દારૂ-બીયર જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે રૂ.2 લાખની કિંમતની એક ફોરવ્હીલર કાર પણ કબજે કરવામાં આવી હતી. આમ બીજા કેસમાં કુલ રૂ.2.20 લાખનો મુદ્દામાલ જપ્ત થયો હતો. આ કેસમાં પણ બીદડા ગામના અર્જુન ભીખા સંઘારનું નામ સામે આવ્યું છે, જે હાલ પોલીસ પકડથી બહાર હોવાનું જણાવાયું છે.
બંને કાર્યવાહીને એકસાથે જોતા LCB પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા કુલ રૂ.3,53,540નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો મેળવવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી ASI દેવજી મહેશ્વરી, સુરજ વેગડા, હેડ કોન્સ્ટેબલ લીલાભાઈ દેસાઈ, મૂળરાજ ગઢવી અને રાજેશ ગઢવી સહિતની ટીમે પાર પાડી હતી. દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે LCBની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar