માધાપરમાં બોરના કોપર કેબલ ચોરીનું નેટવર્ક ઝડપાયું, LCBની કાર્યવાહીથી બે ગુનાનો ભેદ ઉકેલાયો
કચ્છ, 21 ઓગસ્ટ (હિ.સ.) : પશ્ચિમ કચ્છમાં પાણીના બોરના કોપર કેબલને નિશાન બનાવી ચોરી કરતી ટોળકી સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. ભુજ તાલુકાના નાગોરથી રાયધણપર તરફના માર્ગે શંકાસ્પદ હિલચાલ કરી રહેલા બે યુવકોને ઝડપી લીધા બાદ પોલીસે પૂછપરછ
ચોરાયેલા મુદ્દામાલ સાથે પકડાયેલ આરોપીઓ


કચ્છ, 21 ઓગસ્ટ (હિ.સ.) : પશ્ચિમ કચ્છમાં પાણીના બોરના કોપર કેબલને નિશાન બનાવી ચોરી કરતી ટોળકી સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. ભુજ તાલુકાના નાગોરથી રાયધણપર તરફના માર્ગે શંકાસ્પદ હિલચાલ કરી રહેલા બે યુવકોને ઝડપી લીધા બાદ પોલીસે પૂછપરછ હાથ ધરતાં માધાપર પોલીસ મથકમાં નોંધાયેલા બે વણશોધાયેલા કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, LCBની ટીમ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બે શખ્સો વાડીઓની આસપાસ શંકાસ્પદ રીતે રેકી કરી રહ્યા છે. માહિતીના આધારે પોલીસે બંનેને ઝડપી પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આરોપીઓ દિવસ દરમિયાન વાડીઓમાં ફરી પાણીના બોરની જગ્યાઓની ઓળખ કરતા અને રાત્રિના સમયે ત્યાં જઈ કોપર કેબલ કાપી ચોરી કરતા હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું.

આ તપાસમાં સરસપર વાડી વિસ્તાર અને પુરાસર સીમમાં થયેલી કેબલ ચોરીના બે ગુનાનો પર્દાફાશ થયો છે. બંને કેસ માધાપર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ નોંધાયેલા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ અન્ય ત્રણ સ્થળોએ પણ બોરના કેબલ કાપ્યાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. જેમાં ત્રંબો ગામની સીમમાં આવેલા આયુસ ફાર્મ હાઉસ, હનુમાન ટેકરીથી હબાય તરફના માર્ગ પર ગોગા બાપાની ડેરી પાછળનો બોર અને નાડાપા નજીક હરી ડાંગરની ફેક્ટરીના પાણીના બોરનો સમાવેશ થાય છે.

પોલીસે સરફરાજ મામદ લુહાર, સિકંદર જુસબ ત્રાયા અને રમજાન હુસેન ઉર્ફે બાવલા મથડાની ધરપકડ કરી છે, જ્યારે કથિત રીતે સંડોવાયેલા અલી સિધ્ધીક નોડેને ઝડપી પાડવા કાર્યવાહી ચાલી રહી છે. આરોપીઓ પાસેથી આશરે 17 કિલો કોપર વાયર, હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ અંદાજે રૂ.48,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે કબજે કરેલા મુદ્દામાલને શક પડતી મિલકત તરીકે જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સમગ્ર કાર્યવાહી LCB પશ્ચિમ કચ્છ-ભુજના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી. જિલ્લા પોલીસ દ્વારા ચોરીના બનાવો અટકાવવા તેમજ આધાર-પુરાવા વગરની ચીજવસ્તુઓની હેરફેર સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande