પડાણાની સીમમાં જુગારધામ પર ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો દરોડો, રૂ.1.04 લાખ રોકડ સાથે 8 શખ્સ ઝડપાયા
કચ્છ, 21 ઓગસ્ટ (હિ.સ.) ગાંધીધામ તાલુકાના પડાણા ગામની સીમ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ચાલી રહેલા તીન પત્તીના જુગાર પર ગાંધીધામ બી ડિવિઝન પોલીસે દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. પોલીસની ટીમે સ્થળ પરથી રોકડ રકમ સાથે જુગાર રમતા કુલ આઠ શખ્સોને ઝડપી પાડ
પડાણા જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 21 ઓગસ્ટ (હિ.સ.) ગાંધીધામ તાલુકાના પડાણા ગામની સીમ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ચાલી રહેલા તીન પત્તીના જુગાર પર ગાંધીધામ બી ડિવિઝન પોલીસે દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. પોલીસની ટીમે સ્થળ પરથી રોકડ રકમ સાથે જુગાર રમતા કુલ આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન રૂ.1,04,600ની રોકડ રકમ તેમજ ગંજીપાનાના પત્તા કબજે કરવામાં આવ્યા છે.

જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસ તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પણ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પડાણા ગામની સીમમાં રૂદ્રાક્ષ કંપનીની દિવાલ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડતા ત્યાં રૂપિયા પૈસાની હારજીતનો જુગાર રમતા આઠ શખ્સો મળી આવ્યા હતા. પોલીસે તમામને ઝડપી પાડી સ્થળ પરથી રોકડ રૂ.1,04,600 તથા ગંજીપાનાના 52 પત્તા કબજે કર્યા હતા. સમગ્ર કાર્યવાહી બાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા શખ્સોમાં પડાણા અને મીઠીરોહર વિસ્તારના રહેવાસીઓનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં અરવિંદ નવુભા વાઘેલા, અસગર ઓસમાણ સોઢા, મયુર સવાભાઈ બાબરીયા, રાજેશકુમાર શંભુભાઈ હુંબલ, ભરત શામજીભાઈ મરંડ, હરેશ ઘેલાભાઈ હુંભલ, પ્રકાશ શામજી ચાવડા અને બધાભાઈ ઘેલાભાઈ હુંબલનો સમાવેશ થાય છે.

ગાંધીધામ બી ડિવિઝન પોલીસની આ કાર્યવાહીથી પડાણા પંથકમાં ચાલતી જુગારની પ્રવૃત્તિ સામે પોલીસની સતર્કતા સ્પષ્ટ થઈ છે. ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા આગામી સમયમાં પણ કાર્યવાહી વધુ તેજ કરવામાં આવે તેવી શક્યતા છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande