
નવી દિલ્હી, 21 ઓગસ્ટ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, શુક્રવારે સેવા તીર્થમાં દેશના 20 અવકાશ સ્ટાર્ટઅપ્સના મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને સ્થાપકો સાથે સંવાદ કર્યો. આ દરમિયાન, અવકાશ ક્ષેત્રમાં ભારતની ખાનગી કંપનીઓની વધતી ક્ષમતાઓ, વૈશ્વિક સ્તરે ભારતીય અવકાશ તકનીકોની વધતી માંગ અને અવકાશ ક્ષેત્રમાં ભવિષ્યની સંભાવનાઓ પર ચર્ચા થઈ.
વડાપ્રધાન કાર્યાલય અનુસાર, બેઠકમાં રોકેટ બનાવવા, ફરીથી વાપરી શકાય તેવા અવકાશયાન અને પ્રક્ષેપણ યાન, ઉપગ્રહ, અવકાશ સંબંધિત ઇલેક્ટ્રોનિક પ્રણાલીઓ, નવી તકનીકથી રોકેટ એન્જિન બનાવવા, અવકાશ અને સંરક્ષણ સંબંધિત માહિતી, અવકાશમાં જમા થયેલા કચરાને દૂર કરવા તથા કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ) ની મદદથી સ્થાનિક હવામાન અને આબોહવાની માહિતી આપતી તકનીકો પર કામ કરી રહેલા સ્ટાર્ટઅપ્સના પ્રમુખો સામેલ થયા.
સ્ટાર્ટઅપ પ્રમુખોએ અવકાશ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને કામ કરવાની મંજૂરી આપવાના સરકારના નિર્ણયની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, આ નિર્ણયથી ઉદ્યોગ માટે ઘણા નવા અવસરો ઊભા થયા છે. તેમણે જણાવ્યું કે, ભારતની ખાનગી અવકાશ કંપનીઓ દ્વારા વિકસિત તકનીકોને અપનાવવા અને તેનો ઉપયોગ કરવામાં વિશ્વના ઘણા દેશોની કંપનીઓ રસ દાખવી રહી છે.
વડાપ્રધાને અવકાશ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિકોને પોતાની તકનીકોના નવા ઉપયોગો શોધવા અને એવી તકનીક વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું, જેનાથી સામાન્ય લોકોનું જીવન સરળ બની શકે.
મોદીએ અવકાશ ઉદ્યોગ અને સમાજના વિકાસ સાથે સંકળાયેલા અન્ય ક્ષેત્રો વચ્ચે સહયોગ વધારવા પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, અવકાશમાં જમા થયેલા કચરાને દૂર કરવાની તકનીક પર કામ કરતી કંપનીઓ પર્યાવરણ સંબંધિત સંગઠનો સાથે મળીને કામ કરી શકે છે. આ જ રીતે, કૃષિ માટે અવકાશ તકનીક વિકસાવતી કંપનીઓ કૃષિ યુનિવર્સિટીઓ અને સરકારી વિભાગો સાથે મળીને ખેડૂતોને વધુ સારા નિર્ણયો લેવામાં અને ઉત્પાદન વધારવામાં મદદ કરી શકે છે.
વડાપ્રધાને કહ્યું કે, ભારતે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે જ્યારે દુનિયા અવકાશ ક્ષેત્ર વિશે વિચારે ત્યારે તેની નજર ભારત પર પડે. તેમણે કહ્યું કે દેશનું અવકાશ ક્ષેત્ર વિશ્વભરની પ્રતિભાઓ, કંપનીઓ અને રોકાણને આકર્ષવાનું કેન્દ્ર બની શકે છે.
તેમણે અટલ ટિંકરિંગ લેબ્સ સાથે અવકાશ ક્ષેત્રની કંપનીઓનો સહયોગ વધારવાનું સૂચન કર્યું. વડાપ્રધાને કહ્યું કે, આનાથી બાળકોમાં નાની ઉંમરથી જ અવકાશ પ્રત્યે જિજ્ઞાસા અને રુચિ પેદા કરવામાં મદદ મળશે.
સંવાદમાં સ્કાઈરૂટ એરોસ્પેસ, અગ્નિકુલ કોસ્મોસ, પિક્સેલ, ધ્રુવ સ્પેસ, ગેલેક્સઆઈ, પિયર સાઈટ, બેલાટ્રિક્સ એરોસ્પેસ, દિગંતરા, સેટશ્યોર, સુહોરા ટેકનોલોજીસ, મનસ્તુ સ્પેસ, એસ્ટ્રોબેઝ, ટેકમી2સ્પેસ, વ્યોમઆઈસી, કોસ્મોસર્વ સ્પેસ, ઓર્બિટએઆઈડી એરોસ્પેસ, સ્કાઈસર્વ (હાઈસ્પેસ), સેરેન્ડિપિટી સ્પેસ, વાસર લેબ્સ અને મિસ્ટઈઓ ના પ્રમુખો અને સ્થાપકો સામેલ થયા.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ