
મહેસાણા, 21 ઓગસ્ટ (હિ.સ.) : બાવલુ પોલીસે થોળ ગામમાં કાર્યવાહી કરી ગેરકાયદે અને વગર પાસ પરમિટે રાખવામાં આવેલો ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 1812 બોટલ અને બીયર મળી 668.76 લીટર દારૂનો જથ્થો કબજે કર્યો છે, જેની કિંમત રૂ.6,85,806 હોવાનું પોલીસે જણાવ્યું છે.
બાવલુ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન થોળ સરકારી દવાખાના પાસે ખાનગી રાહે બાતમી મળી હતી કે, થોળના મોટા વાસ વિસ્તારમાં સેધણી માતાના મંદિર સામે રહેતી ગીતાબેન કનુજી ઠાકોર પોતાના મકાનના ભોયરામાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેપાર કરે છે. બાતમીના આધારે પોલીસે પંચો સાથે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂ અને બીયરની કુલ 64 પેટી મળી આવી હતી. તપાસમાં કુલ 1812 બોટલ તથા બીયર મળી 668.76 લીટર જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.6,85,806ની કિંમતનો દારૂ કબજે કરી ગીતાબેન કનુજી ઠાકોર સામે બાવલુ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(A), 65(E) અને 116(B) હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહી બાવલુ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે હાથ ધરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR