
મહેસાણા, 21 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતોને આધુનિક અને નફાકારક ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી વિસનગર તાલુકાના સુંશી સ્થિત ‘સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર વેજિટેબલ્સ એન્ડ સિટ્રસ’ ખાતે એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ હતી. નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા યોજાયેલી શિબિરમાં બાગાયતી ખેતી, પ્રાકૃતિક ખેતી અને સરકારી સહાય યોજનાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું.
તાલીમ દરમિયાન સેન્ટર ઓફ એક્સલેન્સના પ્રોજેક્ટ ઓફિસર વી.એન. પટેલ અને બાગાયત અધિકારી એચ.એસ. પ્રજાપતિએ બાગાયતી ખેતીના આર્થિક લાભો અને આધુનિક પદ્ધતિઓ અંગે માહિતી આપી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેરવાના વિષય નિષ્ણાંત આર.જી. બારડે પણ ખેડૂતોને વિષયલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.
ખેડૂતોને બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી, પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો, જમીનની ફળદ્રુપતા જાળવવાના ઉપાયો, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા અંગે સમજ આપવામાં આવી હતી. સાથે જ બાગાયત વિભાગની વિવિધ સહાય યોજનાઓ અને ઓનલાઈન અરજી પ્રક્રિયા અંગે માહિતી અપાઈ હતી. ખેડૂતોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR