
મહેસાણા, 21 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત સરકારના ‘મેલેરિયા મુક્ત ગુજરાત-2030’ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં આરોગ્ય તંત્રની સઘન કામગીરીના પરિણામે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રવીણભાઈ પટેલ અને જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ અને અટકાયતી કામગીરી હાથ ધરાઈ રહી છે.
જૂનને ‘મેલેરિયા વિરોધી માસ’ અને જુલાઈને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સર્વેલન્સ કરાયું હતું. કન્સ્ટ્રક્શન સાઈટ, ગેરેજ, ટાયર પંચરની દુકાનો, ભંગારના વાડા, શાળાઓ સહિતના સંવેદનશીલ વિસ્તારોની તપાસ કરવામાં આવી હતી. ભારે વરસાદ બાદ 23થી 27 જુલાઈ દરમિયાન 792 ટીમો અને 86 સુપરવાઈઝરે સઘન કામગીરી કરી હતી.
હાલ 18 વેક્ટર ટીમો હાઈરિસ્ક વિસ્તારોમાં સર્વેલન્સ કરી રહી છે. છેલ્લા 20 દિવસમાં 1,69,994 ઘરોની મુલાકાત લઈ 3,70,603 પાણીના પાત્રોની તપાસ કરવામાં આવી હતી. 654 ઘરો અને 671 પાત્રોમાં મચ્છરના પોરા મળતાં દવાનો છંટકાવ કરાયો હતો. 8,512 ઘરોમાં ફોગિંગ અને 1,984 સ્થળોએ ઓઇલિંગ કરાયું છે.
જુલાઈ 2025 સુધી મેલેરિયાના 21 કેસની સામે 2026માં 7 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના કેસ 51થી ઘટીને 20 થયા છે, જ્યારે ચિકનગુનિયાના 5 કેસની સામે આ વર્ષે એક પણ કેસ નોંધાયો નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR