
મહેસાણા, 21 ઓગસ્ટ (હિ.સ.) : ભારત સરકારના ટીબી મુક્ત ભારત અભિયાનના અસરકારક અમલીકરણ માટે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે તાલુકા સ્તરીય નોડલ અધિકારીઓની ઓરિએન્ટેશન બેઠક યોજાઈ હતી. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં અભિયાનને સફળ બનાવવા જરૂરી માર્ગદર્શન અને વ્યૂહાત્મક સૂચનાઓ આપવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા અને બ્લોક કક્ષાએ વિશેષ ટીમોની રચના કરવા પર ભાર મૂકાયો હતો. ભારત સરકારના નિર્દેશ મુજબ દરેક બ્લોકમાં નોડલ અધિકારીના નેતૃત્વ હેઠળ 5 NCC કેડેટ્સ અને 5 MY BHARAT વોલન્ટિયર્સને સમાવતી ‘ટીબી મુક્ત ભારત ટીમ’ તૈયાર કરવામાં આવશે. આ ટીમો દ્વારા ટીબીના દર્દીઓની ઓળખ, સારવાર અને ફોલોઅપની કામગીરીમાં સહયોગ આપવામાં આવશે.
જિલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા કક્ષાના નોડલ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ટીબી નિયંત્રણ માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ જનભાગીદારી થકી ટીબી અંગે જાગૃતિ ફેલાવવા અને દર્દીઓને સમયસર સારવાર મળે તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.
“ટીબી હારશે, દેશ જીતશે – જનભાગીદારીથી ટીબી મુક્ત ભારત તરફ આગળ વધીએ”ના સંદેશ સાથે અભિયાનના લક્ષ્યાંકો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR