
- સ્મશાન ગૃહમાં અત્યાર સુધીમાં 319 પેટ પેરેન્ટસ દ્વારા 395 ડોગ અને 14 કેટ મળી કુલ 379ની અંતિમવિધિ
અમદાવાદ, 21 ઓગસ્ટ (હિ.સ.) : અમદાવાદમાં માણસ માટેના સ્મશાનગૃહ વિસ્તાર પ્રમાણે બનાવેલ હોય છે અને સમય સમય પ્રમાણે તેનું નવીનીકરણ પણ કરવામાં આવે છે હવે શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા પેટ ડોગ અને કેટ સ્મશાનગૃહ શરૂ કરવામાં આવ્યું છે. માનવીની જેમ ડોગ અને કેટના પણ મૃત્યુનું પ્રમાણપત્ર આપવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
બેહરામપુરા વિસ્તારમાં કોર્પોરેશનના પેટ અને કેટ ડોગ સ્મશાન ગૃહમાં જે લોકો અંતિમવિધિ કરાવશે એમને પ્રમાણપત્ર આપવામાં આવશે. સ્મશાન ગૃહમાં અત્યાર સુધીમાં 319 પેટ પેરેન્ટસ દ્વારા 395 ડોગ અને 14 કેટ મળી કુલ 379ની અંતિમવિધિ કરવામાં આવી છે.
સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે, હવેથી મનુષ્યની જેમ પેટ અને કેટ માટે અંતિમવિધિ બાદ પ્રમાણપત્ર આપવામાં આવશે. થલતેજ વિસ્તારના પેટ ડોગ પેરેન્ટસનો કિસ્સો પણ ધ્યાનમાં આવ્યો કે, જેમાં પાર્થ અમીન દ્વારા તેઓના પરિવારના વહાલસોયા સદસ્ય એવા “રોટવિલર” બ્રિડના “ટાઈગર” નામના પાલતુ શ્વાનને સીએનજી બેઝડ પેટ ડોગ ક્રેમેટોરિયમ ખાતે ખુબજ સન્માનપૂર્વક અને લાગણીભીની વિદાય આપી હતી. જેના અસ્થિકુંભને હરિદ્વાર ખાતે વિધિવિધાનથી વિસર્જીત કરી ઘરના સદસ્યની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
પ્લેન મારફતે તેઓને અસ્થિ સાથે જવાનુ હોવાથી એરપોર્ટ ખાતે સિક્યુરિટી ચેકિંગ દરમ્યાન શ્વાનની અસ્થિઓ સાથે પ્રવાસ કરતી વખતે કોઈ કાનુની કે સુરક્ષા સંબંધિત બાબતે કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિભાગ દ્વારા અધિકૃત સહી અને સિક્કા સાથેનું અંતિમવિધિ પ્રમાણપત્ર (ક્રેમેટ સર્ટિફિકેટ) પણ તૈયાર કરી આપવામાં આવ્યું હતું. જેથી પ્રવાસ માટે તેઓને વિશેષ સહયોગ મળ્યો તે બદલ વિભાગનો આભાર વ્યકત કર્યો હતો.
પેટ અને કેટ માટેના સ્મશાન ગૃહમાં કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી પરંતુ જે લોકો અંતિમ વિધિ માટે આવે છે તેઓ દાન કરે છે ત્યારે અત્યાર સુધીમાં 4.98 લાખ રૂપિયાનું દાન સ્મશાન ગૃહમાં મળ્યું છે.
શહેરના સેટેલાઈટ, શાહીબાગ, નારોલ, કાંકરીયા, જોધપુર, ત્રાગડ, સનાથલ, ઓઢવ, પાલડી, ચાંદલોડીયા, કુબેરનગર ઉપરાંત ગુજરાત રાજયના પાટનગર ગાંધીનગર તથા રાજકોટ, બાવળા, ભાવનગર, સુરત, સુરેન્દ્રનગર, મહેસાણા, સાણંદ અને ખાસ રાજય બહારથી રાજસ્થાનના ઉદયપુરના પેટ ઓનર્સે પણ આ સેવાનો લાભ મેળવ્યો અને CNCD વિભાગના જીવસેવા/જીવદયાના કાર્યની પ્રશંસા કરી તથા પેટઓનર્સને પોતાના પાલતુ પેટ (ડોગ /કેટ)નું રજીસ્ટ્રેશન કરાવવા અને આ સેવાનો લાભ લેવા અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ