
જામનગર, 21 ઓગસ્ટ (હિ.સ.) : પીજીવીસીએલ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજચોરી અને વીજગેરરીતિ સામે શરૂ કરવામાં આવેલી સઘન ચેકિંગ ઝુંબેશ આજે સતત પાંચમા દિવસે પણ યથાવત્ રહી હતી. શુક્રવારે જામનગર શહેરના લીમડા લાઇન, બેડી ગેટ, મકરાણી પરા સહિતના વિસ્તારોમાં વીજજોડાણોની તપાસ કરવામાં આવી હતી. છેલ્લા પાંચ દિવસથી અલગ-અલગ ચેકિંગ ટીમોને સતત મેદાનમાં ઉતારી વીજજોડાણોની ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.
જામનગર શહેર ઉપરાંત આજે જામજોધપુરમાં પણ અલગ-અલગ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા અને દ્વારકા સહિતના વિસ્તારોમાં પણ પીજીવીસીએલની ટીમો દોડતી રહી હતી. પાંચ દિવસથી ચાલી રહેલી આ ઝુંબેશને પગલે વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
આજની કામગીરી દરમિયાન લીમડા લાઇન, બેડી ગેટ અને મકરાણી પરા સહિતના વિસ્તારોમાં વીજજોડાણોની ચકાસણી હાથ ધરાઈ હતી. ચેકિંગ દરમિયાન વીજચોરી અથવા વીજવપરાશમાં ગેરરીતિ મળી આવે તેવા કિસ્સામાં નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. પીજીવીસીએલ દ્વારા બંને જિલ્લાઓમાં અલગ-અલગ ટુકડીઓને સતત દોડાવી આગામી દિવસોમાં પણ ચેકિંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજચોરી સામે શરૂ કરવામાં આવેલી સઘન ચેકિંગ ઝુંબેશને પગલે વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા ચાર દિવસથી બંને જિલ્લામાં વીજજોડાણોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં વીજચોરીના કિસ્સા ઝડપી પાડવામાં આવ્યા છે. જામનગરમાં સોમવારથી ગુરૂવાર સુધીના ચાર દિવસમાં વીજચોરીના કુલ 307 કેસમાં પોલીસ ફરિયાદો નોંધાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પીજીવીસીએલની ટીમો દ્વારા રહેણાંક મકાનો ઉપરાંત કોમર્શિયલ એકમો, હોટલો અને અન્ય સ્થળોએ પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ચેકિંગ દરમિયાન વીજમીટરમાં ચેડાં કરી અથવા અન્ય રીતે ગેરકાયદે વીજવપરાશ કરતા કિસ્સાઓ સામે આવતા વીજચોરીની રકમના આકારણી બિલ ફટકારવાની સાથે નિયમ મુજબ પોલીસ ફરિયાદની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી દિલ્હી દરબાર હોટલમાં ચેકિંગ દરમિયાન અંદાજે રૂ.10 લાખની વીજચોરી ઝડપાઈ હતી. આ કાર્યવાહી બાદ ગઈકાલે જામનગર તાલુકાના સાપર ગામ નજીક આવેલી એક હાઇવે હોટલમાં પણ પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન વીજચોરી ઝડપાતાં હોટલ સંચાલકને અંદાજે રૂ.7.5 લાખનું વીજચોરીનું બિલ ફટકારવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
વીજચોરી સામેની આ ઝુંબેશમાં જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અલગ-અલગ ટીમો દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સોમવારથી શરૂ થયેલી આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં વીજચોરી ઝડપી પાડવામાં આવતા આગામી દિવસોમાં પણ ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt